logo

થર્ટી ફર્સ્ટ પૂર્વે વલસાડ પોલીસનો સ્પેશિયલ એક્શન પ્લાન: આંતરરાજ્ય ચેકપોસ્ટો પર લોખંડી બંદોબસ્ત

થર્ટી ફર્સ્ટની ઉજવણી નજીક આવતા જ વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની સરહદોને અડીને આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં દારૂબંધી હોવાથી, અન્ય પ્રદેશોમાંથી થતી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા દરેક નાના-મોટા વાહનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડર પર પોલીસનો લોખંડી પહેરો ગોઠવી દેવાયો છે. પોલીસની આ સતર્કતાને કારણે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાય તેવી શક્યતા છે, સાથે જ બ્રેથ એનાલાઈઝર દ્વારા પીધેલા વાહનચાલકોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવશે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી હાઈવે અને આંતરિક રસ્તાઓ પર પણ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે જેથી નવા વર્ષની ઉજવણીમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે.

6
661 views