logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રેલ સેવા પુરસ્કાર2026 : ભાવનગર મંડળના શ્રેષ્ઠ કર્મચારીઓ અને એકમોનું સન્માન

રેલ સેવા પુરસ્કાર–2026 : ભાવનગર મંડળના શ્રેષ્ઠ કર્મચારીઓ અને એકમોનું સન્માન

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા ઉત્કૃષ્ટ કાર્યનિષ્પત્તિ, નવીનતા, સુરક્ષા, મુસાફર સેવા અને સંગઠનાત્મક કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે “રેલ સેવા પુરસ્કાર – 2026” સમારોહનું આયોજન શુક્રવાર, તા. 05 જૂન, 2026ના રોજ ભાવનગર પરા સ્થિત કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી દિનેશ વર્મા તથા વિશિષ્ટ અતિથિ તરીકે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO)ની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ વર્ષ 2025 દરમિયાન પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ તેમજ વિવિધ એકમોને રેલ સેવા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
તાજેતરમાં યોજાયેલા પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ પ્રાપ્ત કરીને ગૌરવ મેળવ્યું હતું. મંડળને રેલ મદદ ફરિયાદોના અસરકારક નિવારણ માટે “રેલ મદદ કાર્યક્ષમતા શીલ્ડ”, સંરક્ષા ધોરણોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ “સંરક્ષા શીલ્ડ” તથા હિન્દીના અસરકારક અમલીકરણ માટે “રાજભાષા શીલ્ડ” એનાયત કરવામાં આવી હતી. આ પુરસ્કારો પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા પ્રદાન કરવામાં આવ્યા હતા.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મંડળના કર્મચારીઓએ પોતાની કર્તવ્યનિષ્ઠા, નવીનતા અને ઉત્તમ કાર્યસંસ્કૃતિ દ્વારા રેલવેની કાર્યક્ષમતા, સંરક્ષા ધોરણો તથા મુસાફર સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

રેલ સેવા પુરસ્કાર–2026થી સન્માનિત કર્મચારીઓમાં શ્રી દીપક સિંહ, શ્રી રાજેશ કુમાર, શ્રી રુતાર્થ મનોજકુમાર ઝવેરી, શ્રી રોહિત કુમાર, શ્રી રામનાથ યાદવ, શ્રી કલ્પેશ કુમાર મોહનલાલ, શ્રી દિનેશચંદ્ર ખટીક, શ્રી રણજીત પટેલ, શ્રી હાર્દિક મંજિભાઈ કંડોલિયા, શ્રી પ્રેમચંદ મીણા, શ્રી નિપ્પુ કુમાર, શ્રી રોશન કુમાર, શ્રી વિકાસ કુમાર, શ્રી છોટુ કુમાર સાહ, શ્રી રાહુલ શર્મા, શ્રી સતીશ કુમાર, શ્રી જિગ્નેશપુરી હીરાપુરી ગોસ્વામી, શ્રી આકાશ ભાલિયા, શ્રી નરસિંહા રેડ્ડી દુલામ, શ્રી જિતેન્દ્ર પંચાલ, શ્રી બજરંગ દાસ, શ્રી રાહુલ જૈન, શ્રી વિપુલકુમાર જયંતિલાલ પરમાર તથા શ્રી સુનીલ કુમારનો સમાવેશ થાય છે.
સમારોહ દરમિયાન મંડળની વિવિધ એકમો અને સ્ટેશનોને પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. બોટાદ યાર્ડને સુરક્ષિત અને કાર્યક્ષમ સંચાલન માટે, પીપાવાવ પોર્ટ સાઇડિંગને સર્વાધિક માલ લાદણી માટે તથા ભાવનગર ટર્મિનસ, લીમડી અને જામજોધપુર સ્ટેશનોને સ્વચ્છતા અને મુસાફર સુવિધાઓના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
તે જ રીતે અમરેલી અને બોટાદ ADEN એકમોને શ્રેષ્ઠ ટ્રેક જાળવણી, ધોળાને શ્રેષ્ઠ રેલવે કોલોની, પોરબંદરને શ્રેષ્ઠ કોચિંગ ડિપો, જૂનાગઢને શ્રેષ્ઠ સિગ્નલ અને ટેલિકોમ ડિપો, ધોળાને શ્રેષ્ઠ ઇલેક્ટ્રિકલ ડિપો, જેતલસરને શ્રેષ્ઠ TRD ડિપો, મહુવાને શ્રેષ્ઠ રનિંગ રૂમ તથા ભાવનગર ટર્મિનસ RPF પોસ્ટને સુરક્ષા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોતાના સંબોધનમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે રેલ સેવા પુરસ્કાર માત્ર ઉત્કૃષ્ટ કામગીરીની ઓળખ જ નથી, પરંતુ કર્મચારીઓને વધુ સમર્પણ, નવીનતા અને કાર્યક્ષમતાથી કામ કરવા માટે પ્રેરિત કરવાનું અસરકારક માધ્યમ પણ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સન્માનિત કર્મચારીઓ અને એકમો ભવિષ્યમાં પણ મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવામાં તથા ભારતીય રેલવેની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા રહેશે.
આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા સહિત મંડળના અધિકારીઓ, કર્મચારીઓ તથા મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે વરિષ્ઠ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગને તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરતાં ભાવનગર મંડળને ઉત્કૃષ્ટતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું આહ્વાન કર્યું હતું.

2
58 views

Comment