કામરેજનાં નિવૃત્ત શિક્ષક મગનલાલ મોઢેરાનાં કાવ્યસંગ્રહ 'મોજે-દરિયા'નું વિમોચન કરવામાં આવ્યુ.
કામરેજનાં નિવૃત્ત શિક્ષક મગનલાલ મોઢેરાનાં કાવ્યસંગ્રહ 'મોજે-દરિયા'નું વિમોચન કરવામાં આવ્યુ
(લા-સિઝન રેસ્ટોરન્ટનાં બેંકેટ હોલમાં કાવ્યસંગ્રહનાં વિમોચન સહિત અનોખો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજયો)
કરંજ:તા.૦૫ પોતાનાં ૭૦ માં જન્મદિવસે મગનલાલ મોઢેરા દ્વારા લિખિત કાવ્યસંગ્રહ 'મોજે-દરિયા'નું વિમોચન જાણીતા કવિ અને સાહિત્યકાર પ્રકાશ પરમારનાં હસ્તે કરવામાં આવ્યું હતું. પોતાનાં જન્મદિવસની વિશેષ ઉજવણી સાથે કાવ્યસંગ્રહના વિમોચન સહિત અનોખો સ્નેહમિલનનો કાર્યક્રમ કવિ મનસ્વી દ્વારા લા-સિઝન રેસ્ટોરન્ટનાં બેંકેટ હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સાહિત્ય રસિક શ્રોતાગણ અને સ્નેહીઓ સહિત 200 જેટલાં શુભેચ્છકોની ઉપસ્થિતિમાં 'મોજે-દરિયા' કાવ્યસંગ્રહનું વિમોચન કરતાં કવિ પ્રકાશ પરમારે જણાવ્યું હતું કે મગનભાઈ મોઢેરાનાં ૩૮ વર્ષનાં અનુભવનાં નીચોડ સાથે સંવેદનાઓ ભળી ત્યારે આ 'મોજે-દરિયા' કાવ્યસંગ્રહ પ્રગટ્યો છે, પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ આ મોજે-દરિયાનું દરેક મોજુ ક્યાંક તમને અડશે, ક્યાંક તમને ભીજવશે અને ક્યાંક તમારા હૃદય સુધી પહોંચશે તો ક્યાંક તમારા ચક્ષુને અશ્રુભીના કરશે. મગનભાઈનો આજે જન્મદિવસ છે હવે પછીનાં જન્મદિવસ પણ આપણે સૌ સાથે ઉજવીએ અને એ બધાં જન્મદિવસે નવા કાવ્યસંગ્રહની મગનભાઈ ભેટ આપે એવી શુભેચ્છા પણ એમણે પાઠવી હતી.
મહેમાનોનાં પરિચય સ્વાગતની સાથે કાવ્યસંગ્રહનાં પ્રાગટ્ય માટે જે જહેમત અને મહેનતની પ્રક્રિયા હતી તેનાથી ભરતભાઈ મકવાણાએ સૌને વાકેફ કર્યા અને મગનભાઈની સર્જનયાત્રાનાં આ શબ્દ દેહને આપ સૌ વાંચીને માણો એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનું સુંદર સંચાલન કામરેજનાં શિક્ષક અમિત પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મગનભાઈનાં પરિવારજનો તથા બાલ્યકાળનાં મિત્રો પૈકી નરસિંહભાઈ સવાણી ઉપસ્થિત રહ્યાં અને સૌએ મગનભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌને કાર્યક્રમને અંતે મોજે-દરિયા કાવ્યસંગ્રહ તથા એક કલમ મગનભાઈ મોઢેરા તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
રિપોર્ટ: વિજય પટેલ