logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હજીરા રોજગારીથી લઈને સુરત એરપોર્ટ સુરક્ષા સુધીના પ્રશ્નો અંગે પ્રધાનમંત્રીને રજૂઆત.

હજીરા રોજગારીથી લઈને સુરત એરપોર્ટ સુરક્ષા સુધીના પ્રશ્નો અંગે પ્રધાનમંત્રીને રજૂઆત

સુરત, તા. 3 જૂન: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ. નાયકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ સુરત જિલ્લાના હજીરા વિસ્તાર, સુરત રેલવે સ્ટેશન, તાપી-મીંઢોળા નદીઓ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સંબંધિત વિવિધ મહત્વના પ્રશ્નો અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ સાથે રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે હજીરા વિસ્તારમાં કાર્યરત મોટા ઉદ્યોગોને સરકાર દ્વારા જમીન, કરરાહતો અને વિવિધ સુવિધાઓ આપવામાં આવી હોવા છતાં સ્થાનિક લાયકાત ધરાવતા યુવાનોને કાયમી રોજગારીમાં પૂરતું પ્રાધાન્ય આપવામાં આવતું નથી. મોટાભાગે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અથવા બહારના વિસ્તારોના કર્મચારીઓની ભરતી થતી હોવાથી સ્થાનિક યુવાનોમાં અસંતોષ વ્યાપ્યો છે. કેન્દ્ર સરકાર સ્થાનિક યુવાનોને કાયમી રોજગારીમાં પ્રાથમિકતા આપવા માટે અસરકારક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં સુરત રેલવે સ્ટેશનના મુદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેમાં મુંબઈ બાદ સૌથી વધુ આવક આપતા સુરત રેલવે સ્ટેશનને વર્ષ 2014માં કરાયેલા વાયદા મુજબ હજુ સુધી અલગ રેલવે ડિવિઝનનો દરજ્જો મળ્યો નથી. ઉપરાંત ARMની ખાલી પડેલી પોસ્ટ પર તાત્કાલિક અધિકારીની નિમણૂક કરવાની માંગ પણ કરવામાં આવી છે.

તાપી અને મીંઢોળા નદીઓ પર થયેલા ગેરકાયદે દબાણો તથા વધતા પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સંયુક્ત સમિતિ રચી તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નદીઓને મૂળ સ્વરૂપમાં લાવવા અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે અસરકારક પગલાં ભરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુદ્દે રજૂઆતમાં જણાવાયું છે કે રનવે નજીકના અવરોધોને કારણે સુરક્ષા સંબંધિત પ્રશ્નો ઉભા થયા છે. રનવેને અવરોધરૂપ બાંધકામો દૂર કરવા, CAT-I અને ILS સિસ્ટમ તાત્કાલિક અમલમાં મૂકવા તેમજ એરપોર્ટનું સંપૂર્ણ સુરક્ષા ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત, રૂ.138.38 કરોડના ખર્ચે બનેલા નવા ટર્મિનલ બિલ્ડિંગના ફ્લોર પ્લાનને હજુ મંજૂરી ન મળવા અને ઇમરજન્સી એક્ઝિટનું કામ અધૂરું હોવાના મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ PMC અને કોન્ટ્રાક્ટર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરીને તેમના ચૂકવણાં રોકવાની પણ માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં સુરતમાંથી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વિદેશી એરલાઇન્સને મંજૂરી આપવાની માંગ પણ કરવામાં આવી છે. સુરતને “પોઇન્ટ ઓફ કોલ” હેઠળ સામેલ કરીને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

દર્શનલુમાર નાયકે જણાવ્યું હતું કે સ્થાનિક યુવાનોની રોજગારી, પર્યાવરણનું સંરક્ષણ અને એરપોર્ટ મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલા આ મુદ્દાઓ અત્યંત મહત્વના હોવાથી પ્રધાનમંત્રી દ્વારા વ્યક્તિગત સ્તરે હસ્તક્ષેપ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
ન્યુઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ

3
14 views

Comment