મહીસાગર: ૧૨૩ કરોડના નળ સે જળ કૌભાંડમાં BJP સરપંચની ધરપકડ
મહીસાગર: ૧૨૩ કરોડ રૂપિયાના 'નળ સે જળ' કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે બાલાસિનોર તાલુકાના સરોડા ગામના સરપંચ કિરીટસિંહ પ્રભાતસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં અત્યાર સુધી ૩૨ આરોપીઓને જેલમાં મુકી દેવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કિરીટસિંહે તેમની પત્ની સરપંચ રહી ત્યારે પાણી સમિતિમાંથી ૧,૪૫,૦૦૦ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો.
કિરીટસિંહ ચૌહાણનું ભાજપ સાથે મજબૂત રાજકીય કનેક્શન છે અને તેઓ પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા છે. તેમના પરિવારના અન્ય સભ્યો પણ રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા છે. આ કૌભાંડમાં રાજ્યના પાંચ મોટા ભાજપ નેતાઓની સંડોવણી સામે આવી છે. સરકારની યોજનાઓમાં મસમોટી ગ્રાન્ટો ખોટી રીતે હાંસલ કરવા માટે બનાવાયેલા પાણી સમિતીઓ દ્વારા આ કૌભાંડ થતો હોવાનું જાણવા મળ્યું છે. સીઆઈડી ક્રાઇમ વધુ ધરપકડોની શક્યતા સાથે તપાસ ચાલુ રાખી રહી છે.