ચાણસ્મા સરદાર ચોક ખાતે દર શુક્રવારે ધનવંતરી રથ દ્વારા ફ્રી સારવાર અને ઈ-નિર્માણ કાર્ડની સેવા......
ચાણસ્મા સરદાર ચોક ખાતે દર શુક્રવારે ધનવંતરી રથ દ્વારા ફ્રી સારવાર અને ઈ-નિર્માણ કાર્ડની સેવા......
પાટણ જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ (EMRI Green Health Service) દ્વારા સંચાલિત અને ગુજરાત સરકાર પુરસ્કૃત 'ધનવંતરી આરોગ્ય રથ' સામાન્ય જનતા અને ખાસ કરીને શ્રમિક વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. આ કડી અંતર્ગત દર શુક્રવારે આ ખાસ મેડિકલ રથ ચાણસ્માના સ્થાનિક સરદાર ચોક ખાતે ઊભો રહે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવીને પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી રહ્યા છે. આ રથમાં અત્યારે રોજના સરેરાશ 80 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે, જે આ સેવાની લોકપ્રિયતા દર્શાવે છે.આ ધનવંતરી રથના મેડિકલ ઓફિસર ડૉ. વાણિયા હિમશ્વેતા મુકેશભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રથમાં દર્દીઓની શ્રેષ્ઠ સારવાર માટે કુલ 5 સભ્યોનો નિષ્ણાત તબીબી સ્ટાફ કાર્યરત છે. જેમાં મેડિકલ ઓફિસર ઉપરાંત લેબર કાઉન્સેલર, પેરામેડિક, લેબ ટેકનિશિયન અને પાયલોટ (ડ્રાઈવર) સહિતના સ્ટાફ મિત્રો ખડેપગે સેવા આપી રહ્યા છે. અહીં આવતા દર્દીઓને સ્થળ પર જ તપાસીને જરૂરી દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ તદ્દન મફત કરી આપવામાં આવે છે.આ આરોગ્ય રથની ખાસિયત એ છે કે તે માત્ર બીમારીની સારવાર જ નથી કરતો, પરંતુ બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે પણ કામ કરે છે. રથમાં હાજર લેબર કાઉન્સેલર દ્વારા શ્રમિકો માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી એવું 'ઈ-નિર્માણ કાર્ડ' (e-Nirman Card) પણ વિનામૂલ્યે કાઢી આપવામાં આવે છે. ચોક્કસ આયોજન અને સ્ટાફની સેવાની સુવાસને કારણે ચાણસ્માના શ્રમિકો અને સ્થાનિક રહીશોને પોતાના ઘરઆંગણે જ સ્વાસ્થ્ય અને સુરક્ષા બંનેનો લાભ એકસાથે મળી રહ્યો છે.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા