કબડ્ડી ખેલાડીઓના શરીર બંધારણ પર સંશોધન કરી વંદના ભૂડિયાએ મેળવી પીએચડી ની પદવી
કબડ્ડી ખેલાડીઓના શરીર બંધારણ પર સંશોધન કરી વંદના ભૂડિયાએ મેળવી પીએચડીની પદવી
ભુજ : માધાપર નવાવાસ ની રહેવાસી અને હાલમાં આર્મી પબ્લિક સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા વંદના ભૂડિયાએ શારીરિક શિક્ષણ વિષયમાં પીએચડી પૂર્ણ કરી કચ્છનું ગૌરવ વધાર્યું છે.
વંદના ભૂડિયાએ પ્રાથમિક શિક્ષણ સરસ્વતી વિદ્યાલય, માધાપર ખાતે તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ લેઉવા પટેલ કન્યા વિદ્યામંદિર ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાંથી B.P.Ed તથા અમરાવતી (મહારાષ્ટ્ર)માંથી M.P.Ed ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
રાષ્ટ્રીય કક્ષાએ સાત વખત કબડ્ડીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર વંદનાબેને ગુજરાત વિદ્યાપીઠ, સાદરા ખાતે “વજન તાલીમ અને પ્રેશર તાલીમ દ્વારા કબડ્ડી ખેલાડીઓની શારીરિક યોગ્યતા અને શરીર બંધારણ પર થતી અસરો” વિષય પર સંશોધન મહાનિબંધ રજૂ કરી પીએચડીની પદવી હાંસલ કરી છે. તેમના આ સંશોધન કાર્યમાં ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર ડૉ. જગદીશચંદ્ર ગોઠીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
વંદના ભૂડિયાની આ સિદ્ધિ બદલ ક્રીડા ભારતી કચ્છના અધ્યક્ષ કેસરાભાઈ પિંડોરિયા, રમતગમત સેલ પ્રદેશ ભાજપના સભ્ય ડૉ. વિષ્ણુ ચૌધરી, કચ્છ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ હરદેવસિંહ જાડેજા, વ્યાયામ સંઘના મંત્રી ડૉ. દિનેશ એલ. ડાકી તેમજ રોયલ ક્રિકેટ એકેડમીના કુલદીપસિંહ જાડેજાએ અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી।