logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત જિલ્લાના માંડવી (અરેઠ) તાલુકાના કરંજ ગામ નજીકથી પસાર થતી કાકરાપાર વિભાગની વાલેશા માઇનોરમા કચરો અને પાણીમાટે તપાસની માંગ.

સુરત જિલ્લાના માંડવી (અરેઠ) તાલુકાના કરંજ ગામ નજીકથી પસાર થતી કાકરાપાર વિભાગની વાલેશા માઇનોર નહેરમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી અને નહેરમાં કચરો નાખવાની ઘટનાઓ સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દર્શનકુમાર એ. નાયકે જિલ્લા કલેક્ટર, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે કરંજ, હરિયાલ છમુછલ, મોલવણ, શેઠી, પાણેથા તથા વાલેછા વિસ્તારના લીમોદરા પાટીયા વિસ્તારના ખેડૂતો માટે વાલેશા માઇનોર નહેર સિંચાઈનું મુખ્ય સાધન છે. પરંતુ આજુબાજુના ઔદ્યોગિક એકમો તેમજ એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા બ્લોક નંબર ૭૫-અ વિસ્તારમાં આવેલા આશરે ૧૫ થી ૨૦ શોપિંગ સેન્ટરો દ્વારા સબમર્સીબલ પંપ અને મોટરો વડે નહેરનું પાણી ગેરકાયદેસર રીતે ઉલેચવામાં આવી રહ્યું છે. સાથે સાથે નહેરમાં કચરો પણ નાખવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે નહેરનું પાણી પ્રદૂષિત થવા ઉપરાંત નીચેના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ગત રોજ સિંચાઈ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને પાણી ઉલેચી રહેલા કેટલાક શોપિંગ સેન્ટરોના સબમર્સીબલ પંપો જપ્ત કર્યા હતા. જોકે, બીજા જ દિવસે માત્ર માફીનામું લખાવી પંપો પરત આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આ કાર્યવાહી નબળી અને ઢીલી ગણાવવામાં આવી છે.

શ્રી નાયકે જણાવ્યું હતું કે અગાઉ પણ આ મુદ્દે સંબંધિત વિભાગોને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં ગેરકાયદેસર પાણી ચોરી અને પ્રદૂષણની પ્રવૃત્તિઓ યથાવત્ ચાલુ છે. તેમણે કેટલાક અધિકારીઓ પર બેદરકારી અને સંકળાયેલા તત્વો સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે.

રજુઆતમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ગુનો નોંધવામાં આવે, દંડાત્મક કાર્યવાહી સાથે પંપો કાયમી જપ્ત કરવામાં આવે તેમજ નહેરમાં કચરો નાખનારાઓ સામે પર્યાવરણ સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા નિયમિત પેટ્રોલિંગ અને મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તથા ખેડૂતોને નહેરના પાણીનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે.

ખેડૂતોના જીવન અને જીવનજરૂરિયાત સાથે સંકળાયેલા આ ગંભીર પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા સરકાર અને સંબંધિત વિભાગો હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠી છે.

7
262 views

Comment