છોટા ઉદેપુરના બાલાવટ ગામે ભીષણ આગ, ચાર રૂમનું મકાનમાં ધર વખરી બળીને ખાખ
છોાઉદેપુર
ગુલાબ રાઠવા
છોટા ઉદેપુર જિલ્લાના બાલાવટ ગામે સોમવારના રોજ અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગામમાં રહેતા એક પરિવારના ચાર રૂમના મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં થોડા જ સમયમાં આખું મકાન આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં રહેલો અનાજ, કપડા, ફર્નિચર, ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ ઘરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ઘટના બનતા જ ગામલોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પરિવારને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જોકે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાને લઈને ગામમાં શોક અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ અસરગ્રસ્ત પરિવારને સહાય આપવા માટે આગળ આવવાની અપીલ પણ કરી હતી. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનો અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.