logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*પાટણ જિલ્લાના કલેક્ટર તુષાર ભટ્ટ તથા મદદનીશ કલેક્ટર રાજેશકુમાર મોર્યને ભાવભીની વિદાય*......

પાટણ જિલ્લાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તા. ૧૫/૦૪/૨૦૨૫થી ફરજ બજાવતા માનનીય કલેક્ટરશ્રી તુષાર ભટ્ટ સાહેબની બદલી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન સમયબદ્ધ અને પારદર્શક વહીવટ, ત્વરિત કામગીરીના નિકાલ તથા પ્રજાલક્ષી અભિગમના કારણે તેમણે જિલ્લામાં આગવી છાપ ઉભી કરી હતી.

જિલ્લામાં તીવ્ર વાવાઝોડા અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો દરમિયાન ખાસ કરીને રાધનપુર-સાંતલપુર વિસ્તારમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં તેમણે અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. ઉપરાંત સુજલામ સુફલામ યોજના, ચૂંટણી પ્રક્રિયાનું સફળ સંચાલન સહિત અનેક મહત્વપૂર્ણ કામગીરીઓમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ સફળતા મેળવી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખવાની તેમની ક્ષમતા અને પ્રજાના પ્રશ્નો પ્રત્યેની સંવેદનશીલતા પ્રશંસનીય રહી હતી.

તે જ રીતે, રાધનપુર ખાતે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા શ્રી રાજેશકુમાર મોર્ય (IAS, ૨૦૨૨ બેચ) ની સહ બઢતી સાથે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, તાપી ખાતે બદલી થતાં તેઓ પણ જિલ્લાને વિદાય આપી રહ્યા છે. મૂળ જયપુર, રાજસ્થાનના વતની શ્રી મોર્ય સાહેબ તા. ૦૨/૦૯/૨૦૨૪થી જિલ્લામાં સેવા આપી રહ્યા હતા.

તેમના કાર્યકાળ દરમિયાન અતિવૃષ્ટિ જેવી કપરી પરિસ્થિતિઓ તેમજ સુજલામ સુફલામ જેવી મહત્વપૂર્ણ યોજનાઓના અમલીકરણમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમની કાર્યપદ્ધતિ, જવાબદારી પ્રત્યેની નિષ્ઠા અને વહીવટી કુશળતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સરાહના પ્રાપ્ત થઈ હતી.

વિદાય પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ બંને અધિકારીઓના કાર્યકાળને યાદગાર ગણાવી તેમના કાર્યની પ્રશંસા કરી હતી તથા નવા પદ પર પણ તેઓ પોતાની વહીવટી ક્ષમતા અને કાર્યદક્ષતા દ્વારા પ્રજાસેવામાં ઉત્તમ યોગદાન આપશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે કલેક્ટરશ્રી તુષાર ભટ્ટ સાહેબે પોતાના જિલ્લાના કાર્યકાળના અનુભવો અને સંસ્મરણો વહેંચતા અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. સાથે જ તેમણે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો

10
1061 views

Comment