ખાંડ ઉદ્યોગ ગંભીર સંકટમાં, MSP વધારો અને નિકાસ નીતિમાં રાહતની માંગ.
ખાંડ ઉદ્યોગ ગંભીર સંકટમાં, MSP વધારો અને નિકાસ નીતિમાં રાહતની માંગ
ઓલપાડ, તા. 14 મે 2026 : ભારતીય ખાંડ ઉદ્યોગ હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હોવાનું જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાયણ સુગર મિલના ડિરેક્ટર દર્શનકુમાર એ. નાયકે સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠાવી છે. તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટિંગ પ્રેસ મીડિયાને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાંડ ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને સુગર મિલો બંને મુશ્કેલીમાં મુકાયા છે.
તેમણે આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું કે 2022-23 દરમિયાન દેશમાં 33.0 MMT ખાંડ ઉત્પાદન થયું હતું અને 6.2 MMT નિકાસ મંૂર કરવામાં આવી હતી. જ્યારે 2023-24માં ઉત્પાદન ઘટીને 32.0 MMT થયું અને નિકાસ માત્ર 0.2 MMT સુધી સીમિત રહી હતી. વર્ષ 2024-25માં ઉત્પાદન વધુ ઘટીને 27.4 MMT થયું છે અને નિકાસ મંજૂરી 1.2 MMT સુધી જ રાખવામાં આવી છે. સરકાર દ્વારા સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુકાતા દેશીય બજારમાં ભાવ દબાયેલા રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
દર્શનકુમાર નાયકે આ પરિસ્થિતિ માટે સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી હતી. તેમના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી ખાંડનો MSP 31 પ્રતિ કિલો પર જ સ્થિર રાખવામાં આવ્યો છે, જ્યારે ખાતર, ડીઝલ, પેટ્રોલ, બીજ અને મજૂરી સહિતના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થયો છે. બીજી તરફ શેરડીના FRPમાં વધારો થતો હોવા છતાં મિલોને ખાંડ વેચાણથી મળતી આવક અનુરૂપ વધી રહી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે અનિયમિત વરસાદ, ઉપજમાં ઘટાડો અને એથેનોલ ઉત્પાદન તરફ વધતા ડાયવર્ઝનને કારણે પણ ખાંડ ઉત્પાદન ઉપર અસર પડી રહી છે. શેરડીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આવક ઘટી રહી છે અને કેટલાક વિસ્તારોમાં ખેડૂતો શેરડીની ખેતી છોડવા મજબૂર બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
સાથે જ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર સહકારી સુગર મિલોમાં પ્રમુખ અને ડિરેક્ટર તરીકે કાર્યરત આગેવાનો આ મુદ્દે મૌન કેમ ધારણ કરી રહ્યા છે? શેરડી પકવતા ખેડૂતો પ્રત્યે તેમની શું જવાબદારી છે તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
દર્શનકુમાર નાયકે સરકાર સમક્ષ માંગણી કરતાં જણાવ્યું હતું કે ખાંડના MSPમાં તાત્કાલિક વધારો કરવામાં આવે જેથી મિલોને યોગ્ય આવક મળે અને ખેડૂતોના બાકી ચૂકવણાં સમયસર થઈ શકે. શેરડીના FRP અને ખાંડના MSP વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી હતી. ઉપરાંત હાલના નિકાસ પ્રતિબંધના નિર્ણયની સમીક્ષા કરી સ્ટોકની સ્થિતિને આધારે મર્યાદિત નિકાસ મંજૂર કરવાની માંગણી કરી હતી.
ખેડૂતોને રાહતરૂપે ખાતર અને ડીઝલ પર સબસિડી વધારવાની સાથે એથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અને ખાંડ ઉત્પાદન વચ્ચે સંતુલિત નીતિ અમલમાં મૂકવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. લાંબા ગાળે શેરડી વિસ્તાર, ઉપજ વધારો અને ખર્ચ ઘટાડવા માટે વિશેષ સહાય અને સબસિડી નીતિ લાવવા પણ તેમણે સરકારને અપીલ કરી હતી.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે સરકારના ત્વરિત અને સકારાત્મક હસ્તક્ષેપથી ખેડૂતો તથા ખાંડ ઉદ્યોગ બંનેને રાહત મળશે અને દેશની ખાંડ સુરક્ષા વધુ મજબૂત બનશે.