ગ્રામ્ય શાળાની ગૌરવભરી સિદ્ધિ: મોર હાઈસ્કૂલનું ધોરણ 10 નું ઝળહળતું 100 ટકા પરિણમ.
ગ્રામ્ય શાળાની ગૌરવભરી સિદ્ધિ: મોર હાઈસ્કૂલનું ધોરણ 10 નું ઝળહળતું 100 ટકા પરિણામ
ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત મોર હાઈસ્કૂલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની માર્ચ-2026ની પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં શાળાનાં તમામ 32 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને એક પણ વિદ્યાર્થી નાપાસ થયેલ નથી. ધોરણ 10 નાં કુલ 32 વિદ્યાર્થીઓ પૈકી A/1 ગ્રેડમાં 1 વિદ્યાર્થી, A/2 ગ્રેડમાં 4 વિદ્યાર્થી, B/1 ગ્રેડમાં 4 વિદ્યાર્થી, B/2 ગ્રેડમાં 8 વિદ્યાર્થી, C/1 ગ્રેડ11 વિદ્યાર્થી જ્યારે C/2 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓએ સિધ્ધિ હાંસલ કરેલ છે. શાળાનાં વિદ્યાર્થીઓ કૃષ્ણા જ્યોતિષકુમાર જોશી (555/600 માર્ક્સ, A/1 ગ્રેડ, 92.50 %), પાર્થકુમાર રાકેશકુમાર ભગવાગર (539/600 માર્ક્સ, A/2 ગ્રેડ, 89.83 %) અને દેવકુમાર અશ્વિનકુમાર પટેલ (513/600 માર્ક્સ, A/2 ગ્રેડ, 85.50 %) ટોપર્સ રહ્યાં છે.
શાળાનાં આચાર્ય પરેશ વસાવાએ જણાવ્યું કે શાળાની આ સિદ્ધિ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનાં આશીર્વાદનું પરિણામ છે. ગ્રામ્ય વિસ્તારની શાળા હોવા છતાં શિક્ષકોની નિષ્ઠા, નવીન શિક્ષણ પદ્ધતિ અને શિસ્તબદ્ધ વાતાવરણને કારણે શાળાએ 100 % પરિણામ મેળવ્યું છે. શાળા પરિવારે તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં અને ભવિષ્યમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ સિદ્ધિથી મોર ગામ સહિત સમગ્ર પંથકમાં આનંદની લાગણી વ્યાપી છે.