ચાણસ્માના વડાવલીમાં તળાવમાં માટી ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા શ્રમિકનું કરુણ મોત: પંથકમાં અરેરાટી.......
ચાણસ્માના વડાવલીમાં તળાવમાં માટી ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા શ્રમિકનું કરુણ મોત: પંથકમાં અરેરાટી........
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના આંબલીવાળા તળાવમાં માટી લેવા ગયેલા એક શ્રમિકનું માટીની ભેખડ નીચે દટાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારો અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાણસ્મા તાલુકાના ધારપુરી ગામના ૩૪ વર્ષીય યુવાન હરપાલસિંહ લાલસિંહ ઠાકોર અન્ય ત્રણ-ચાર શ્રમિકો સાથે વડાવલી ગામે આવેલા આંબલીવાળા તળાવમાં ટ્રેક્ટર લઈને માટી લેવા માટે ગયા હતા. ખેતરના કામ માટે કે ઘરકામ માટે માટીના ખોદકામ દરમિયાન અચાનક માટીની એક મોટી ભેખડ ધસી પડી હતી. હરપાલસિંહ કંઈ સમજે તે પહેલા જ તેઓ ભેખડ નીચે દટાઈ ગયા હતા. ત્યાં હાજર અન્ય શ્રમિકોએ તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી અને ભારે જહેમત બાદ તેમને માટી નીચેથી બહાર કાઢ્યા હતા.ગંભીર રીતે ઘાયલ હરપાલસિંહને તાત્કાલિક ૧૦૮ મારફતે ચાણસ્મા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતા જ ચાણસ્મા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. વડાવલીના તલાટી કમ મંત્રી જેન્તીભાઈએ જણાવ્યું હતું કે, આ શ્રમિકો પોતાના અંગત ઉપયોગ માટે માટી લેવા આવ્યા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.