કાંઠા સુગર ફેક્ટરીના ઈ-ઓક્શનને સ્થગિત કરવા ખેડૂતો-સભાસદોની માંગ.
ઓલપાડ, તા. ૧૨ મે ૨૦૨૬ : શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડ (કાંઠા સુગર ફેક્ટરી)ની અચલ સંપત્તિના SARFAESI અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા ઈ-ઓક્શનને તાત્કાલિક સ્થગિત કરવા તેમજ આશરે ૬૫ હજાર ઉત્પાદક અને બિન-ઉત્પાદક સભાસદોના શેર, રોકાણ, ડિપોઝીટ તથા ખેડૂતોના બાકી નાણાં પરત ચૂકવવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દર્શનકુમાર એ. નાયકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સહકારમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા NCDCના પ્રાદેશિક નિયામકને રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC) દ્વારા SARFAESI અધિનિયમ હેઠળ કાંઠા સુગર ફેક્ટરીની મિલ્કતોનું ઈ-ઓક્શન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હજારો ખેડૂતો અને સભાસદોમાં ચિંતા ફેલાઈ છે. ફેક્ટરી સાથે જોડાયેલા આશરે ૬૫ હજાર સભાસદોના કરોડો રૂપિયાના શેર અને રોકાણના નાણાં ઉપરાંત ખેડૂતોના માલ અને ડિપોઝીટની રકમ હજુ સુધી ચૂકવાઈ નથી.
રજુઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફેક્ટરીના તત્કાલીન પ્રમુખો અને ડિરેક્ટરોએ સંસ્થાની જમીનો વેચી હોવા છતાં ખેડૂતો અને સભાસદોને તેમનું હકનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. અગાઉ માંડવી સુગર મિલના ઓક્શન બાદ પણ સભાસદોને નાણાં ન મળ્યાનો ઉલ્લેખ કરી કાંઠા સુગરમાં પણ આવી જ સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
વધુમાં જણાવાયું છે કે NCDC પાસેથી લેવામાં આવેલી લોન અને તેના ગેરવહીવટ માટે તે સમયના બોર્ડ પ્રમુખો, ડિરેક્ટરો તેમજ ઝોન સમિતિના જવાબદારોની વ્યક્તિગત જવાબદારી નક્કી થવી જોઈએ. નિયામક (ખાંડ તંત્ર), ગુજરાત રાજ્ય દ્વારા તા. ૨૫ માર્ચ ૨૦૨૫ના રોજ કલમ ૯૩ હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કરાયો હોવા છતાં કાર્યવાહી પૂર્ણ થયા પહેલાં ઓક્શન કરવામાં આવશે તો વાસ્તવિક જવાબદારો બચી જશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સાથે જ પોલીસ વિભાગમાં કરવામાં આવેલી અરજીઓમાં પણ પૂરતી ગંભીરતા દાખવાતી નથી અને કાર્યવાહી ધીમી ગતિએ ચાલી રહી હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરાયો છે.
રજુઆતમાં સહકારી કાયદાની જોગવાઈઓનો ઉલ્લેખ કરી જણાવાયું છે કે સહકારી સંસ્થાઓ સભાસદોની હોય છે અને સભાસદોના હિતોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
અંતે રજૂઆતમાં નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે :
- તત્કાલીન બોર્ડ પ્રમુખો, ડિરેક્ટરો અને ઝોન સમિતિના જવાબદારો સામે કલમ ૯૩ હેઠળની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે.
- જવાબદાર વ્યક્તિઓની મિલ્કતોની તપાસ કરી જરૂરી વસૂલાત હાથ ધરવામાં આવે.
- પોલીસ વિભાગ દ્વારા ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
- ઈ-ઓક્શન પ્રક્રિયાને તાત્કાલિક સ્થગિત કરવામાં આવે.
- ફેક્ટરીની સંપત્તિ વેચાણ પહેલાં સભાસદોના શેર અને ખેડૂતોના બાકી નાણાંનું પ્રાથમિકતાપૂર્વક ચુકવણું કરવામાં આવે.
- સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરી સભાસદોના હિતમાં નિર્ણય લેવાય તથા જરૂર પડે તો ફેક્ટરીને પુનર્જીવિત કરવા સરકાર હસ્તક્ષેપ કરે.
શ્રી દર્શનકુમાર નાયકે જણાવ્યું હતું કે આ મુદ્દો હજારો ખેડૂતો અને કુટુંબોની જીવનજીવિકા સાથે જોડાયેલો છે અને સહકારી આંદોલન પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી થવી જરૂરી છે.