ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) ના નવનિયુક્ત પ્રમુખ ચિંતનભાઈ પરીખનું મજૂર મહાજન સંઘ દ્વારા ભવ્ય સન્માન.
ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) ના નવનિયુક્ત પ્રમુખ ચિંતનભાઈ પરીખનું મજૂર મહાજન સંઘ દ્વારા ભવ્ય સન્માન કરાયું. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વરણી પામવા બદલ અસીમા ગ્રુપના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ ચિંતનભાઈ પરીખનું મજૂર મહાજન સંઘ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
મજૂર મહાજન સંઘના કાર્યકારી પ્રમુખ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ દ્વારા ચિંતનભાઈ પરીખને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની આ ગૌરવશાળી સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ચિંતનભાઈની રાષ્ટ્રીય ખેલ સંઘના સર્વોચ્ચ પદ પર નિમણૂક થવી એ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના ઉદ્યોગજગત માટે ગૌરવની વાત છે.
નોંધનીય છે કે, ચિંતનભાઈ પરીખ લાંબા સમયથી ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GSTA) ના પ્રમુખ તરીકે કાર્યરત રહી રમતગમતના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો બાદ AITA ની ચૂંટણીના પરિણામો જાહેર થતા હવે તેઓ રાષ્ટ્રીય સ્તરે ટેનિસના ઉત્થાન માટે જવાબદારી સંભાળશે.