અમરેલી જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણી : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ*
*સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬*
૦૦૦૦૦૦૦૦
*અમરેલી જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણી : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ*
૦૦૦૦૦૦૦૦
*જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર પીવાના પાણી, વેઈટીંગ રૂમ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ*
૦૦૦૦૦૦૦૦
*અમરેલી તા. ૨૬ એપ્રિલ,૨૦૨૬ (રવિવાર)* ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી છે. મજબૂત સ્થાનિક સ્વરાજ માટે મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ઉનાળાની ગરમ ઋતુને ધ્યાનમાં રાખીને મતદારો માટે મતદાન મથકોના સ્થળ પર જ્યા કુદરતી છાંયડો ન હોય તેવા મતદાન મથકે મંડપ સાથે છાંયડો કરવામાં આવ્યો છે તથા પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત છે. સંવેદનશીલ મતદાન મથકો સહિત મતદાન મથકો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ પ્રક્રિયા પણ શરૂ છે. સાથે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજરોજ મતદાન પ્રક્રિયા સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી શરૂ રહેશે.