*પાટણ જિલ્લામાં સ્વીપ અંતર્ગત રંગોળી દ્વારા મતદાર જાગૃતિનો અનોખો પ્રયાસ....
*પાટણ જિલ્લામાં સ્વીપ અંતર્ગત રંગોળી દ્વારા મતદાર જાગૃતિનો અનોખો પ્રયાસ*
*સર્જનાત્મક પ્રયાસોથી મતદાન પ્રત્યે જાગૃત અને સક્રિય સમાજનું નિર્માણ શક્ય: જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ*
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા કલેકટરશ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્વીપ (SVEEP) અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન સક્રિય રીતે હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે સ્વીપ ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી, પાટણ ખાતે રંગોળી નિદર્શન દ્વારા મતદાર જાગૃતિનો સર્જનાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચેરીની મુલાકાતે આવતા નાગરિકોમાં આ રંગોળીએ વિશેષ આકર્ષણ ઉભું કર્યું હતું તેમજ મતાધિકાર પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ રંગોળી નિદર્શન દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી તથા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર ભટ્ટ દ્વારા સ્થળ પર મુલાકાત લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે સ્વીપ ટીમ દ્વારા કરવામાં આવેલા આ અનોખા પ્રયાસને બિરદાવ્યો હતો અને મતદાર જાગૃતિ માટે આવા સર્જનાત્મક કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ તરફથી પ્રજાપતિ ભાવનાબેને મતદાર જાગૃતિ અંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને મતદાનનો અધિકાર પ્રાપ્ત છે. મતદાન દ્વારા દેશ, રાજ્ય અને શહેરનું ભવિષ્ય ઘડી શકાય છે. “એક મતથી શું ફેર પડે?” એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે “ટીપે ટીપે સરોવર ભરાય, તેવી જ રીતે એક એક મત દ્વારા ભારતનું ભવિષ્ય નિર્માણ પામે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાન માત્ર અધિકાર નહીં પરંતુ દેશ પ્રત્યેની મહત્વપૂર્ણ જવાબદારી છે. અંતમાં તેમણે સર્વ નાગરિકોને આવનારી દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તથા અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી.
માહીતી બ્યુરો પાટણ