પાટણ: સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના ૨૦૦થી વધુ આગેવાનો કેસરીયા રંગે રંગાયા
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મળેલ માહિતી મુજબ સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના ૨૦૦થી વધુ સામાજિક અને રાજકીય અગ્રણીઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
કુંભાજી ઠાકોર અને રમેશજી ઠાકોરના નેતૃત્વમાં આવેલા આ કાર્યકરોને પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. પત્રકારોને સંબોધતા મહામંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનકલ્યાણકારી નીતિઓ અને વિકાસની વિચારધારાથી પ્રભાવિત થઈને લોકો સ્વયંભૂ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. ઉંદરા ગામના આ જોડાણથી સરસ્વતી તાલુકા સહિત સમગ્ર પાટણ જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે.
આ પ્રસંગે પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, નંદાજી ઠાકોર, સંજય પટેલ, સોવનજી ઠાકોર, ગિરીશભાઈ મોદી અને પ્રધાનજી ઠાકોર સહિતના સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજના આગેવાનોના આ સામૂહિક જોડાણને પગલે ભાજપ પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં સંગઠનલક્ષી કામગીરીને વધુ વેગ આપવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા