logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ તથા આચાર્ય રમેશ પટેલનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળાનાં આચાર્ય રમેશભાઈ ભવાનભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારોહ અત્રેની શાળાનાં પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાલીજનો, કરંજ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનો, તેમનાં પરિવારજનો, ગામનાં સરપંચ અને ગ્રામ પંચાયતનાં સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં ઉપશિક્ષક કલ્પેશ ભાલીયાએ સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં શાળા પરિવારે રમેશભાઈને સન્માનપત્ર તથા સ્મૃતિભેટ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, કેન્દ્રાચાર્યા મિનાક્ષી પટેલ, ઈન્ચાર્જ સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ, ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીનાં સેક્રેટરીઓ મહેશ પટેલ, ભરત પટેલ સહિત શુભચિંતકોએ રમેશભાઈની શિક્ષણયાત્રાને યાદ કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાત્રિનાં આહલાદક વાતાવરણમાં યોજાયેલ આ કાર્યક્રમ સાથે શાળાનાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં બાળકોએ અવનવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી દર્શકોનાં મન મોહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષ આહિરે કર્યુ હતું. શાળાનાં સાયન્સ ટીચર શીતલ ડુમસીયાએ નામી અનામીનો આભાર વ્યક્ત કર્યા બાદ રમેશભાઈ પટેલે પોતાનાં પ્રતિભાવમાં ફરજકાળ દરમિયાનનાં તેમનાં અનુભવોને વાગોળતાં જણાવ્યું હતું કે મારી સામે બેઠેલા બાળકોનો પ્રેમ અને લાગણી જ મારી સાચી સંપતિ છે. બાળકો થકી જ હું ઉજળો છું એવી સાચી અનુભૂતિ આજરોજ મને થઈ છે. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ઉપશિક્ષિકા અનામિકા પટેલ, જશુ પટેલ સહિત બાળકોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ દ્વારા માહિતી આપવામાં આવી.

10
504 views

Comment