રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
સુરત પીપલ્સ કો-ઓપ બેંકમાં ₹15.65 કરોડના લોન કૌભાંડ મામલે તપાસની માંગ ઉઠી
સુરત, તા. 07 એપ્રિલ 2026: સુરતની શ્રી સુરત પીપલ્સ કો-ઓપ. બેંક લિ. સાથે જોડાયેલા આશરે ₹15.65 કરોડના લોન કૌભાંડ મામલે હવે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો અને સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ. નાયક દ્વારા રાજ્યના સહકારી વિભાગને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલ શ્રીકાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડમાં ખાંડના ખોટા સ્ટોકના આધારે બેંકમાંથી મોટી રકમની લોન મંજૂર કરાઈ હોવાનો આક્ષેપ છે. આ મામલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 409, 420, 465, 467, 468, 471 અને 120(B) હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં ખાંડ ઉદ્યોગ અને બેંકના મેનેજિંગ ડિરેક્ટર સહિતના નામો સામેલ છે.
રજુઆતમાં જણાવાયું છે કે બેંકના નાણાં જાહેર અને સભાસદોના હોવાથી માત્ર એક અધિકારી સામે કાર્યવાહી પૂરતી નથી. ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-1961ની કલમ 93 મુજબ બેંકના સંચાલક મંડળ અને અન્ય જવાબદાર હોદ્દેદારોની પણ જવાબદારી નક્કી થવી જોઈએ.
ખેડૂતોના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રક્રિયામાં રાજકીય દખલગીરી દ્વારા કેટલાક જવાબદાર લોકોને બચાવવાનો પ્રયાસ થયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઓડિટ પ્રક્રિયા હોવા છતાં આટલું મોટું કૌભાંડ કેવી રીતે બન્યું તે મુદ્દે પણ પ્રશ્નો ઉભા થયા છે.
રજુઆતમાં નીચે મુજબ મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે:
NCDC લોન માટે કરવામાં આવેલા ઠરાવોની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી
₹15.65 કરોડની લોન રકમ અને કમિશન બેંકમાં ન આવ્યાની નિષ્પક્ષ તપાસ
સંબંધિત દસ્તાવેજો અને ઈમેલ ડેટા પોલીસ દ્વારા જપ્ત કરવાની કાર્યવાહી
કલમ 93 મુજબ તમામ જવાબદાર હોદ્દેદારો સામે તપાસ અને કાનૂની પગલાં
ઝોન સમિતિની જવાબદારી નક્કી કરી કાર્યવાહી
ખેડૂતોને બાકી ચૂકવવાના નાણાં તાત્કાલિક ચૂકવવા પગલાં
અંતમાં રજૂઆતકર્તાએ સહકારી વિભાગને તાત્કાલિક અસરથી યોગ્ય તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરી તેની માહિતી આપવા માંગ કરી છે.
આ મામલો હવે સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી અંગે મહત્વનો મુદ્દો બની રહ્યો છે.