*મોઢેરા રોડ પર ગટરમાં ગાય પડી, એનિમલ હેલ્પલાઇનની મદદથી બચાવ*
આજ રોજ સાંજે મયંકભાઈને મળેલ કોલ મુજબ મોઢેરા રોડ પર આવેલ વિશ્વકર્મા વાડીની સામે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ આઇકોનિક રોડના કામ દરમિયાન ગટરની કામગીરીમાં બેદરકારીના કારણે એક ગાય ખુલ્લા મુકાયેલા ગટરમાં પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે.
માહિતી મળતા જ મહેસાણા એનિમલ હેલ્પલાઇનના કિરણ રાવત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમની સાથે અર્જુનભાઈ, હિમાંશુભાઈ, દીપકભાઈ સુથાર અને દીપકભાઈ બારોટ અને જીવદયા પ્રેમીઓ સહિતની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી.
ગટરની ઢાંકણાની સાઇઝ નાની હોવાના કારણે ગાયને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી. આ બાબતે કિરણ રાવતે મહાનગરપાલિકાની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગ તથા મહાનગરપાલિકાના JCBની મદદથી ગટરને તોડી ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
આ ઘટનાને લઈ કિરણ રાવતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, “નગરપાલિકા સમયથી ચાલતી આવી રહેલી બેદરકારી આજે મહાનગરપાલિકા બન્યા બાદ પણ યથાવત છે. કામમાં ગેરવ્યવસ્થા અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.”
અંતમાં તેમણે ચેતવણી આપી કે, “જો આવી બેદરકારી ચાલુ રહેશે તો ભવિષ્યમાં મહેસાણામાં કોઈપણ અબોલ પ્રાણી સાથે બનેલી આવી ઘટનાઓ માટે મહાનગરપાલિકા સંપૂર્ણ જવાબદાર રહેશે.”