વાંઝ ખાતે સ્વાતંત્ર્ય સેનાની પદ્મશ્રી કલ્યાણજી મહેતા(પટેલ)ના સ્મારકનું ભવ્ય લોકાર્પણ, ગામને મળ્યું ઐતિહાસિક ગૌરવ
વાંઝ ખાતે સ્વાતંત્ર્ય સેનાની પદ્મશ્રી કલ્યાણજી મહેતા(પટેલ)ના સ્મારકનું ભવ્ય લોકાર્પણ, ગામને મળ્યું ઐતિહાસિક ગૌરવ
સુરત, તા. 25 માર્ચ 2026:સવારે10:30
આજ રોજ વાંઝ ગ્રામ પંચાયત ખાતે ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની, ગુજરાતના પ્રથમ વિધાનસભા સ્પીકર તેમજ દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીજીને વાંઝ ગામે રાત્રિ રોકાણ માટે લાવનાર અને વાંઝ-સચિન ગ્રામ વિકાસ સહકારી મંડળીના સ્થાપક સ્વ. પદ્મશ્રી કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા(પટેલ)ના સ્મારકનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પદ્મશ્રી કલ્યાણજી મહેતાના જીવન અને કાર્યને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે તેમના કુટુંબજનો પણ હાજર રહ્યા હતા, જેમાં તેમના નાના ભાઈના પુત્રના પુત્ર શ્રી મુકેશભાઈ તેમજ અન્ય પરિવારજનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
આ સ્મારક આવનાર પેઢી માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને યુવાનોને દેશપ્રેમ, ત્યાગ અને સંઘર્ષના માર્ગે આગળ વધવા પ્રેરણા આપશે.
અંગ્રેજ શાસન દરમિયાન ડાંગર પર લાગેલા કરના વિરોધમાં શ્રી મહેતાએ ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું, જેના પરિણામે અંગ્રેજ સરકારે તેમનું ઘર જપ્ત કર્યું હતું. ત્યારબાદ તેઓ મરોલી સ્થિત કસ્તુરબા આશ્રમમાં નિવાસ કરતા હતા.
શ્રી મહેતા વાંઝ ગામની પ્રાથમિક શાળામાં હેડમાસ્ટર તરીકે સેવા આપતા હતા, પરંતુ દેશની આઝાદી માટે તેમણે પોતાની નોકરીનો ત્યાગ કરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય રીતે જોડાયા હતા.
શ્રી કલ્યાણજી મહેતાના અમૂલ્ય યોગદાનને કારણે વાંઝ ગામને ઐતિહાસિક ઓળખ પ્રાપ્ત થઈ છે અને આ સ્મારક ગામ માટે ગૌરવનું પ્રતિક બની રહેશે.