ગુજરાતના આ શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ બંધ રહેશે પેટ્રોલ પંપ, સપ્લાય ખોરવાતા લેવાયો નિર્ણય
યુદ્ધને કારણે એલપીજી સંકટ બાદ હવે પેટ્રોલ-ડીઝલ પર તેની અસર પડી રહી છે. ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ ખાનગી કંપનીના પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યાં છે, તો કોઈ જગ્યાએ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ વચ્ચે રાજકોટમાં પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં IOC અને NAYARA નો મોટો નિર્ણય
ઈરાન યુદ્ધને કારણે કાચા તેલ અને એલપીજીની સપ્લાય પર મોટી અસર પડી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે મધ્યપૂર્વમાંથી સપ્લાય ભારતમાં ન પહોંચતા દેશમાં ઈંધણની કટોકટી સર્જાય રહી છે. તેવામાં રાજકોટમાં IOC અને NAYARA એ રાત્રે 10 વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
રાત્રે 10 વાગ્યા બાદ બંધ રહેશે પેટ્રોલ પંપ
રાજકોટમાં રાત્રે 10 વાગ્યા બાદ પેટ્રોલ પંપ બંધ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી ક્યારે વેચાણ શરૂ થશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા આ અંગે મહત્વની બેઠક પણ યોજાવાની છે. સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ડીલરો એસોસિએશનને પોતાની સમસ્યા જણાવશે.
વડોદરામાં પણ સ્થિતિ ગંભીર
બીજીતરફ વડોદરામાં પણ સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. શહેરમાં ઘણા ખાનગી પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે. વડોદરા શહેરમાં ખાનગી કંપની દ્વારા સંચાલિત પેટ્રોલ પંપો બંધ કરવામાં આવ્યા છે. કંપનીના આ નિર્ણયથી વાહન ચાલકોમાં ડર જોવા મળી રહ્યો છે. શહેરમાં ઘણા પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા માટે વાહનોની મોટી લાઈનો લાગી છે.
ઘણી જગ્યાએ ઈંધણનો જથ્થો ખૂટી પડ્યો
ગુજરાતના ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો ખતમ થઈ જતાં પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ કારણે જ્યાં પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે ત્યાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.