logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં ભંગાણથી ખેડૂતોને ભારે નુકસાન – તાત્કાલિક વળતર અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ

ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં ભંગાણથી ખેડૂતોને ભારે નુકસાન – તાત્કાલિક વળતર અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ

રિપોર્ટર: હરિકૃષ્ણ ભટ્ટ | સ્થળ: સુરત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા ગામની સીમમાં આવેલી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં અચાનક ભંગાણ પડવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ભંગાણને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને રોષ વ્યાપ્યો છે.

આ ઘટનાને લઈને ખેડૂતો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે દર વર્ષે કેનાલના મરામત અને મોડિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમજ 100 થી 150 દિવસ સુધી પાણીનું રોટેશન બંધ રાખવામાં આવે છે, છતાં કેનાલની હાલતમાં કોઈ સુધારો જોવા મળતો નથી. પરિણામે આવા ભંગાણો વારંવાર સર્જાઈ રહ્યા છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે વિનાશકારી સાબિત થઈ રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દર્શનકુમાર એ. નાયકે આ મામલે મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે જળસંપત્તિ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચારને કારણે ગુણવત્તાયુક્ત કામ થતું નથી અને તેની અસર ખેડૂતોને ભોગવવી પડે છે.

તેમણે સરકાર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ મૂકી છે:

કંટવા ગામની ઘટનાથી સુરત, તાપી અને ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક અને યોગ્ય વળતર આપવામાં આવે.

ભંગાણ માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ઉકાઈ અને કાકરાપાર નહેરોમાં છેલ્લા વર્ષોમાં થયેલા મરામત ખર્ચની ઉચ્ચસ્તરીય તપાસ (ઓડિટ) કરવામાં આવે.

સમગ્ર કેનાલ સિસ્ટમનું સ્વતંત્ર ટેક્નિકલ ઓડિટ કરાવવામાં આવે.


અંતમાં તેમણે રાજ્ય સરકારને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. હાલ આ ઘટનાએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં અસંતોષનો માહોલ ઊભો કર્યો છે અને હવે સરકાર કઈ રીતે પ્રતિસાદ આપે છે તે મહત્વપૂર્ણ બન્યું છે.

1
0 views

Comment