રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
બીઆરસી ભવન ઓલપાડ ખાતે દ્વિતીય સત્રની પેડાગોજી આધારિત ગણિત વિષયની શિક્ષક તાલીમ યોજાઈ
ઓલપાડ ખાતે આવેલ બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) ભવનમાં ધોરણ 6 થી 8 ના ગણિત વિષયના શિક્ષકો માટે પેડાગોજી આધારિત દ્વિતીય સત્રની તાલીમ સફળતાપૂર્વક યોજાઈ હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અંતર્ગત શિક્ષણની ગુણવત્તા વધારવા અને શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા મજબૂત બનાવવા માટે સેવાકાલીન તાલીમ (Continuous Professional Development – CPD)નું આયોજન કરવામાં આવે છે. આ નીતિ અનુસાર દરેક શિક્ષકે દર વર્ષે 50 કલાકની તાલીમ લેવી અનિવાર્ય બનાવવામાં આવી છે. તે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 માં ગણિત વિષય ભણાવતા શિક્ષકો માટે આ તાલીમવર્ગ યોજાયો હતો.
આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં ગણિતીય વિચારશક્તિ વિકસાવવી, તેમને વિવિધ ગણિતીય પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાવા પ્રોત્સાહિત કરવું અને ગણિતીય સમસ્યાઓના સમાધાન માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરાવવા શિક્ષકોએ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ઉપરાંત ગણિતના અભ્યાસમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ રીતે વિષય સમજાવવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું તેમણે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના ગણિતીય વિચારોનું યોગ્ય મૂલ્યાંકન કરી સમયસર પ્રતિસાદ આપવાની જરૂરિયાત અંગે પણ તેમણે વિગતવાર છણાવટ કરી હતી.
આ તાલીમવર્ગમાં તજજ્ઞ તરીકે રેખા સોલંકી (સ્યાદલા), અસ્મિતા પટેલ (ભાંડુત), ભાવના માલણકિયા (ઓરમા), જનક ટેલર (વિહારા), ખુશ્બુ પટેલ (કુંકણી) તથા ચૈતાલી ચપટવાલા (કુદિયાણા)એ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓમાં ગણિતીય સમજણ વિકસાવવા, ગણિતને રસપ્રદ બનાવવા તેમજ તેમની ગણિતીય ક્ષમતાઓ વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, પદ્ધતિઓ અને શૈક્ષણિક અભિગમ અંગે તબક્કાવાર ચર્ચા કરી હતી.
તાલીમના અંતે તાલીમાર્થી શિક્ષકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને તાલીમને ઉપયોગી તથા પ્રેરણાદાયી ગણાવી હતી.
એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.