નસવાડીના બોરવાણી ગામે શિક્ષકો વગર ચાલી રહી શાળા: આદિવાસી બાળકો રામભરોસે?
નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’ શિક્ષણ સંકટ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે.
શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે.
આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે.
હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?