ભાટસણ પીએમ શ્રી શાળાની વિદ્યાર્થીનીએ જન્મદિવસની અનોખી રીતે કરી ઉજવણી: પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કર્યું
પાટણ: આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પોતાના જન્મદિવસ પાછળ મોટો ખર્ચ કરતા હોય છે, ત્યારે પાટણ જિલ્લાની ભાટસણ પગાર કેન્દ્ર શાળા (પીએમ શ્રી ગુજરાત) ની પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થીની રોશનીબેન પ્રજાપતિએ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રોશનીબેને પોતાના જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારના બિનજરૂરી ખર્ચ કરવાને બદલે અબોલ પક્ષીઓની સેવા કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.
પર્યાવરણ અને જીવદયાનો અનોખો સંગમ
ઉનાળાની શરૂઆત થતા જ પક્ષીઓ માટે પાણી અને આશરાની જરૂરિયાત ઊભી થતી હોય છે. આ બાબતને ધ્યાને રાખીને રોશનીબેને પોતાના જન્મદિવસની ઉજવણી શાળામાં પાણીના કુંડા અને ચકલીના માળા આપીને કરી હતી. તેમના આ નાના પણ પ્રભાવશાળી પગલા પાછળનો હેતુ પર્યાવરણનું જતન અને પક્ષીઓની સેવા કરવાનો હતો.
શાળા પરિવાર દ્વારા સન્માન
દીકરીના આ સેવાભાવી અભિગમને શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ખૂબ જ વધાવવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળી એ જણાવ્યું કે, "રોશની જેવી વિદ્યાર્થીનીઓના આવા સંસ્કાર અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બનશે."