રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
વલથાણ ખાતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ ‘જાગૃતિ કપ–2026’ યોજાઈ
વલથાણ, તા. ૮ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કામરેજ તાલુકાના વલથાણ સ્થિત એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલા શિક્ષિકાઓ માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘જાગૃતિ કપ–2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં અવસાન પામેલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મહિલા ઉપપ્રમુખ સ્વ. જાગૃતિબેન પટેલને શ્રદ્ધાંજલિરૂપે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. લીગ તથા સેમીફાઇનલ મેચો બાદ ફાઇનલમાં ઓલપાડ અને માંગરોલ વચ્ચે મુકાબલો રમાયો હતો. ઓલપાડની ટીમે ૮ ઓવરમાં ૭૨ રન બનાવી માંગરોલને ૨૦ રને હરાવી સતત છઠ્ઠીવાર ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી.
સમાપન સમારોહમાં બેસ્ટ બોલર તરીકે ભૂમિકા પટેલ તથા બેસ્ટ બેટ્સવુમન ઓફ ધ મેચ અને વુમન ઓફ ધ સિરીઝ તરીકે નેહલ મહીડાને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવા સંઘના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.
— વિજય પટેલ, પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ.
ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ