ચોટીલા ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવી: મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ કર્યાં દર્શન, 160 વર્ષ જૂની પરંપરા હજુ પણ યથાવત
આદ્યશક્તિ માં ચામુંડાના ધામ ચોટીલા ડુંગર પર આગામી ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે 160 વર્ષ જૂની પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવી. આ પરંપરા અનુસાર, મહંત ગુલાબગિરિજીના પરિજનો દ્વારા ડુંગર પર હોળી પ્રગટાવવાની વિધિ સંપન્ન કરવામાં આવે છે.ચોટીલા ડુંગર પર કાલભૈરવ અને બટુકભૈરવના મંદિર પાસે હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળીની વિશેષતા એ છે કે તેમાં પર્યાવરણનું જતન અને ધાર્મિક શ્રદ્ધાનો સમન્વય જોવા મળે છે. હોળી તૈયાર કરવા માટે સૂકા નાળિયેર, ગાયના છાણમાંથી બનેલા છાણાં, સૂકા ફૂલના હાર, નાળિયેરની કાચલી, શ્રીફળના છોતરા તેમજ માતાજીની જૂની ધજાઓ અને ધજાની લાકડીઓનો ઉપયોગ થાય છે.સંધ્યા આરતી બાદ પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી હોળીની પૂજા કરવામાં આવી છે. ત્યારબાદ પ્રદક્ષિણા કરીને હોળી પ્રગટાવવામાં આવી હતી. આ અલૌકિક દ્રશ્યના સાક્ષી બનવા માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ હજારો ભક્તજનો ચોટીલા ઉમટી પડે છે.ચોટીલા પંથકમાં એક અનોખી લોકવાયકા અને પરંપરા દાયકાઓથી જળવાયેલી છે. માન્યતા મુજબ, જ્યાં સુધી ચોટીલા ડુંગર પર હોળી પ્રગટે નહીં, ત્યાં સુધી આસપાસના ગ્રામજનો પોતાના ગામમાં હોળી પ્રગટાવતા નથી. ડુંગર પર હોળી પ્રગટ્યા બાદ જ સમગ્ર પંથકમાં હોળીના પર્વની ઉજવણી શરૂ થાય છે.
નોંધનીય છે કે ચોટીલા ડુંગર પરની આ હોળી એટલી ભવ્ય હોય છે કે તેની જ્યોતના દર્શન અંદાજે 20 થી 22 કિલોમીટર દૂર સુધીના અંતરેથી પણ કરી શકાય છે. ભક્તો માટે આ હોળીના દર્શન કરવા એ માં ચામુંડાના આશીર્વાદ સમાન માનવામાં આવે છે.