બીકાનેરની માસૂમ વસુંધરા પર દુષ્કર્મ-હત્યાના મામલે લાખણીમાં 'નાઈ સમાજ'નો પ્રચંડ આક્રોશ
પરીક્ષા આપવા જતી ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે નરાધમોની દરિંદગી સામે લાખણી મામલતદારને આવેદનપત્ર અપાયું
લાખણી:- રાજસ્થાનના બીકાનેર જિલ્લાના બિજ્જુ તાલુકાના રણજીતપુરા ગામમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી માસૂમ વિદ્યાર્થિની વસુંધરા સેન સાથે થયેલી નૃશંસ હત્યા અને દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સરહદી બનાસકાંઠા જિલ્લામાં પડ્યા છે. આ જઘન્ય અપરાધના વિરોધમાં આજે લાખણી તાલુકાના નાઈ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને મામલતદાર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
મળતી વિગતો મુજબ, મૃતક વસુંધરા પોતાની વાર્ષિક પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ અસામાજિક તત્વોએ તેનું અપહરણ કરી પિશાચી કૃત્ય આચર્યું હતું અને ત્યારબાદ માસૂમની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર રાજસ્થાન અને ગુજરાતના નાઈ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
---> ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને ફાંસી આપવા માંગ
લાખણી તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયેલા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ માત્ર એક દીકરીની નહીં પણ માનવતાની હત્યા છે. આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે કે:
કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરી નરાધમોને તાત્કાલિક ફાંસીની સજા ફટકારવામાં આવે.
પીડિત પરિવારને યોગ્ય આર્થિક વળતર અને રક્ષણ પૂરું પાડવામાં આવે.
શાળાએ જતી દીકરીઓની સુરક્ષા માટે સરકારે કડક કાયદાકીય વ્યવસ્થા કરવી જોઈએ.
---> આંદોલનની ચીમકી:
નાઈ સમાજના પ્રતિનિધિઓએ ચેતવણી ઉચ્ચારી છે કે જો આ મામલે ત્વરિત અને કડક ન્યાયિક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હોવા છતાં સમાજમાં ન્યાય માટે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
અહેવાલ:- મુકેશ સોની લાખણી