વાવ થરાદ ના રાજકોટ ગામે ત્રિ-દિવસીય ભવ્ય ‘કૃષિ મેળો’ યોજાયો
વાવ થરાદ ના રાજકોટ ગામે ત્રિ-દિવસીય ભવ્ય ‘કૃષિ મેળો’ યોજાયો: ૨૦૦૦થી વધુ ખેડૂતોએ લીધો પ્રાકૃતિક ખેતીનો લાહવો રાજકોટ કેન્દ્ર સરકારની પી.કે.વી.વાય (PKVY) યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે હેલ્થ એન્ડ ન્યુટ્રીશન કેર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા રાજકોટ ગામે તા. ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય કૃષિ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી સોલંકી દિપેશભાઈ એમ. દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે ખેડૂતોને પાક પદ્ધતિ મુજબ FPO (ખેડૂત ઉત્પાદક સંગઠન) નું ગઠન કરી ખેતીને વ્યવસાયિક રૂપ આપવા અંગે વિશેષ ચર્ચા કરી હતી. મેળામાં આશરે ૩૦ જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલી જૈવિક વસ્તુઓ અને અલગ-અલગ પાકોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાજકોટ ગામના સરપંચ શ્રી પુનમાજી પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ગ્રામ સેવક શ્રી રમેશભાઈ, 'કૃષિ ઋષિ' એવોર્ડ વિજેતા શ્રી માવજીભાઈ, શ્રી જોગાજીભાઈ, શ્રી ભાવેશભાઈ અને શ્રી શ્યામજીભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કરી અન્ય ખેડૂતોને રસાયણમુક્ત ખેતી તરફ વળવા પ્રેરણા પૂરી પાડી હતી.કે, વાવ થરાદ જિલ્લામાં આ યોજનાના અમલીકરણ માટે ડો. એન.બી. બાગવાન (MD, હેલ્થ એન્ડ ન્યુટ્રીશન કેર ફાઉન્ડેશન) ની નિયુક્તિ સર્વિસ પ્રોવાઇડર તરીકે કરવામાં આવી છે. સંસ્થા દ્વારા તાલીમ, પ્રેરણા પ્રવાસ અને મિટિંગો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મેળામાં ૨૦૦૦થી વધુ ખેડૂતોએ હાજરી આપી સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને ખેતી વિષયક પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું અને ફાઉન્ડેશનના એમ.ડી. ડો. એન.બી. બાગવાન દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી