
ગુજરાત / રાજકોટ : Police complaint against people from Kalol and Ahmedabad for cheating
Rajkot/ સોનાના બદલે વળતર આપવાનો વાયદો કરી છેતરપિંડી, કલોલ અને અમદાવાદના શખ્સો સામે પોલીસ ફરિયાદરાજકોટ શહેરમાં સોનાની છેતરપિંડીનો વધુ એક કેસ સામે આવ્યો છે, જેમાં ઓટોમોબાઇલ કંપનીમાં ફાઇનાન્સ મેનેજર તરીકે નોકરી કરતા વ્યક્તિએ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મામલો બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના મુકેશભાઈ ભીમાણીએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, અમદાવાદમાં રહેતા મધુર અશોક અગ્રાવત નામના વ્યક્તિએ તેમની સાથે સંપર્ક કરી જમીન સંબંધિત સમસ્યા દૂર કરીને તેમાં રોકાણ કરાવવાની લાલચ આપી હતી. વધુ નફો અને સુરક્ષિત રોકાણનો વિશ્વાસ અપાતા ફરિયાદી તેમની વાતોમાં આવી ગયા હતા.
ફરિયાદ મુજબ, વર્ષ 2021થી અત્યાર સુધી અલગ-અલગ સમયે ફરિયાદીએ આરોપીઓને 400 ગ્રામથી વધુ સોનું આપ્યું હતું. આરોપીઓએ રોકાણ પર વળતર આપવાની ખાતરી આપી હોવા છતાં લાંબા સમય સુધી કોઈ નફો કે સોનું પરત ન આપતાં ફરિયાદીને છેતરપિંડીની શંકા થઈ હતી.
વારંવાર સંપર્ક છતાં સંતોષકારક જવાબ ન મળતાં અંતે મુકેશભાઈ ભીમાણીએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અમદાવાદના મધુર અશોક અગ્રાવત અને કલોલના બળદેવ નાનુભાઈ દેસાઈ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને સોનાની લેવડદેવડ, રોકાણના દાવા તથા આરોપીઓની ભૂમિકા અંગે વધુ માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.