
પગપાળા ચાલતા પદયાત્રીઓ અને પશુપાલકો માટે રાત્રિ માર્ગો અસુરક્ષિત
માતાનામઢ / લખપત તાલુકો
લખપત તાલુકા તથા માતાનામઢ તરફ આવતા માર્ગો પર રાત્રિ સમયે પદયાત્રીઓ, પશુપાલકો અને પશુગાડા ઓ માટે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અનેક સ્થળે પગપાળા ચાલવામાં અને પશુઆધારિત પરિવહનમાં ગંભીર બેદરકારીઓ નજરે પડી હોવાનું વનવિભાગના આરએફઓ શ્રી પ્રિયકાંત આશારાએ જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે માર્ગ સલામતીના નિયમ મુજબ વાહનો ડાબી બાજુ ચાલતા હોવાથી પદયાત્રીઓએ હંમેશા જમણી બાજુથી પગપાળા ચાલવું જોઈએ. જમણી બાજુ ચાલવાથી સામે આવતા વાહનોની હેડલાઇટ દૂરથી દેખાય છે અને પદયાત્રી પોતે પણ જોખમનો અંદાજ લગાવીને સમયસર ખસી શકે છે. જ્યારે ડાબી બાજુ ચાલવાથી વાહન બહુ નજીક આવે ત્યારે જ પદયાત્રી નજરે ચડે છે, જેના કારણે અકસ્માત ટાળવાનો સમય અપૂરતો રહે છે.
આરએફઓ આશારાએ વધુમાં જણાવ્યું કે રાત્રિના સમયે પદયાત્રીઓએ ટોર્ચ રાખવી અનિવાર્ય છે તેમજ જે લોકો નિયમિત પગપાળા ચાલે છે તેમણે રિફ્લેક્ટર પટ્ટીવાળું જેકેટ પહેરવું અત્યંત હિતાવહ છે. મજૂર વર્ગ અને ખેડૂતોને આ બાબતે કોઈ સેવાકીય સંસ્થા અથવા NGO દ્વારા સહાય મળે તો અનેક અકસ્માતો ટાળી શકાય.
તેમણે આજકાલ વાહનોમાં વપરાતી અતિ તેજસ્વી વ્હાઇટ લાઇટ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેના કારણે આંખો અંજાઈ જાય છે અને પદયાત્રીઓ તેમજ નાના વાહનો સમયસર નજરે નથી ચડતા. પરિણામે મોટા વાહન સાવ નજીક પહોંચે ત્યારે અકસ્માત નિવારવાની તક મળતી નથી અને તેનો ભોગ સામાન્ય જનતા બને છે.
આ તરફ, માતાનામઢ તરફ આવતા પદયાત્રીઓ તેમજ લખપત તાલુકામાં મોટા પ્રમાણમાં લોકોનું જીવન પશુઆધારિત રોજગાર અને પરિવહન પર આધારિત છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં પશુગાડીઓ હાઈવે પર ચાલતી હોવાથી જોખમ વધી જાય છે. તાજેતરમાં ટૂંક સમય પહેલાં શ્રી પીએમ જાડેજા સાહેબે આ સમસ્યાની ગંભીરતા સમજીને નાના વર્ગના કુંભાર ભાઈઓ અંધારામાં જતા હોવાનું ધ્યાનમાં લઈ પશુગાડી ઉપર રેડિયમ/રિફ્લેક્ટર લગાવવાની મહત્વપૂર્ણ પહેલ કરાવી હતી. આ પગલું નાનું લાગતું હોવા છતાં, મોટા માં મોટી દુર્ઘટનાઓ અટકાવનાર અસરકારક કામગીરી સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત કેટલાક શહેરોમાં રખડતા પશુઓને NGO દ્વારા રિફ્લેક્ટર બેલ્ટ પહેરાવવામાં આવે છે. આવી જ પહેલ લખપત તાલુકામાં કરવામાં આવે તો રાત્રિના સમયે પશુઓ સાથે થતી અથડામણ ટાળી શકાય અને અમૂલ્ય માનવજીવન તેમજ બહુમૂલ્ય પશુધન બચાવી શકાય.
આ સમગ્ર મુદ્દો માત્ર નિયમોનો નહીં પરંતુ “સેફટી સંસ્કાર” વિકસાવવાનો છે. જનહિતમાં સૌને અપીલ છે કે પદયાત્રીઓ, પશુપાલકો અને વાહનચાલકો સૌ જાગૃત બને અને આ બાબતે મીડિયા દ્વારા અવારનવાર જનજાગૃતિના સમાચાર પ્રકાશિત કરવામાં આવે, જેથી અકસ્માતો ઘટે અને સમાજ વધુ સુરક્ષિત બને.
રિપોર્ટ આદમ નોતિયાર
Mo 9979330250