logo

'અમદાવાદ હવે સુરક્ષિત નથી રહ્યું', લેખિકાએ કડવો અનુભવ શેર કર્યો:

કહ્યું-કારમાં હતી અને બે મજૂરોએ ખરાબ નજરે જોયું, કોઈ મહિલા ચાલતી જતી હોત તો શું થાત?
'16 વર્ષથી હું અમદાવાદમાં ગાડી ચલાવું છું, પરંતુ પહેલીવાર આવો મને અનુભવ થયો'

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ 26 જાન્યુઆરીના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત દેશનું સુરક્ષિત રાજ્ય હોવાનું કહ્યું હતું. જો કે, અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા બોપલ અને શેલા વિસ્તારમાં સુરક્ષાને લઈને સવાલ ઉઠાવતો એક વીડિયો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતી લેખિકા શ્રદ્ધા આહુજા રામાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા અને પોતાના ડરામણા અનુભવને લઈને અમદાવાદ અને ગુજરાત પોલીસને ટેગ કરીને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
મહિલાએ વીડિયો બનાવી ગુજરાત અને અમદાવાદ પોલીસને ટેગ કર્યા

લેખિકા શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, આજે 27 જાન્યુઆરીના રોજ સવારે બોપલ પોલીસ દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમણે ખૂબ જ પોઝિટિવ રીતે આ બાબતને લઈ અને તાત્કાલિક ધોરણે એક પોલીસ અધિકારીને આ જગ્યા શોધવા માટે અને ત્યાં તપાસ કરવા માટે લગાવ્યા છે.

પોશ વિસ્તાર બોપલ અને શેલામાં સુરક્ષાને લઈને સવાલ

લેખિકા શ્રદ્ધા આહુજા રામાણી દ્વારા સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલા વીડિયોમાં અમદાવાદના શેલા વિસ્તારમાં VIP ક્લબ 07 રોડ ઉપર પર ચાર રસ્તા આવેલા છે. ત્યાંથી તેઓ ગાડી લઈને પસાર થતાં હતા ત્યારે ચારથી પાંચ લોકો મજૂર જેવા હતા. જેમાંથી બે લોકોએ એવી રીતે એમની સામે જોયું કે જેનાથી તેઓ ડરી ગયાં હતા.

જે બાદ તેમણે પોસ્ટ મુકી હતી અને અમદાવાદ અસુરક્ષિત હોવાનું કહ્યું. જેથી અમદાવાદ પોલીસને વિનંતી કરી કે, આ બાબતે તેઓ ધ્યાન આપે આ પોસ્ટને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાંશહેરના પોશ વિસ્તાર ગણાતા એવા બોપલ અને શેલા વિસ્તારમાં સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા છે.
બે મજૂરોએ એવી રીતે મને જોઈ કે જેનાથી હું ખૂબ જ ડરી ગઈ'

સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર લેખિકા શ્રદ્ધા આહુજા રામાણીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 25 જાન્યુઆરીના રોજ એક વીડિયો પોસ્ટ કર્યો.

જેમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદના શેલા વિસ્તારમાં VIP રોડ પર ક્લબ 07 ચાર રસ્તા પાસેથી 9.30 વાગ્યે હું એકલી ગાડી લઈને પસાર થતી હતી. ત્યારે ચાર રસ્તા હોવાના કારણે પસાર થવા મેં ગાડી ધીમી કરી હતી. ત્યારે ચારથી પાંચ જેટલા મજૂર જેવા દેખાતા લોકો ત્યાં ઉભા હતા.

જે પ્રમાણે તેઓએ મને જોઈ અને તેમાંથી બે લોકો દ્વારા એવી રીતે મને જોઈ કે જેનાથી હું ખૂબ જ ડરી ગઈ હતી. મેં તેમને આંખો બતાવી ત્યારે બીજા બે લોકો હતા તેઓ પણ સામે ઉભા થઈ ગયા હતા.

આ એકદમ ખૂબ જ ડરામણું હતું.
‘ગુજરાત અને અમદાવાદ જેટલું પહેલા સુરક્ષિત હતું એવું ફરીથી થઈ જાય’

'અમદાવાદ જેટલું પહેલા સુરક્ષિત હતું એવું ફરીથી થઈ જાય'

આ પ્રકારનું ગુજરાતમાં થવું સામાન્ય બાબત નથી. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં રાત્રે 12:30એ પણ ગાડી ચલાવીને આવું છું આજ દિન સુધી મને આવું થયું નથી. 16 વર્ષથી હું અમદાવાદમાં ગાડી ચલાવું છું, પરંતુ પહેલીવાર આવો મને અનુભવ થયો છે અને આવું મને જોવા મળ્યું છે. જો કોઈ નાની છોકરી કે મહિલા ટુ વ્હીલર અથવા ચાલતી જતી હોતી તો આ લોકો તેમના કેવા હાલ કરતાં એનો મને વિચાર આવ્યો હતો. હું ગાડી લઈને ત્યાંથી નીકળી ગઈ. ગુજરાતના તંત્ર અને અમદાવાદ પોલીસને હું વિનંતી કરું છું કે, ગુજરાત અને અમદાવાદ જેટલું પહેલા સુરક્ષિત હતું એવું ફરીથી થઈ જાય. આ વિસ્તારમાં આ પ્રકારના લોકો ખૂબ વધી ગયા છે, જેથી અમને મહિલાઓને અમારી સુરક્ષા જોઈએ છીએ.

5
415 views