logo

જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી નવસારીથી ઝડપાયો:

હથિયારો-વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો મળ્યો; ગુજરાત ATSએ જ્યાંથી ઉઠાવ્યો
રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો.

ગત 25 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો.

ATSની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઈઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી.

આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યાં હતાં. હાલ ATSએ આ મામલે આતંકીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. હથિયારો કોણે પૂરાં પાડ્યાં અને અન્ય કોઈ તેની સાથે હતા કે કેમ એની તપાસ ચાલી રહી છે.
ગુજરાત ATSએ આતંકીને જ્યાંથી ઉઠાવ્યો ત્યાં ભાસ્કર પહોંચ્યું હતું.
નવસારીના ચારપુલ વિસ્તારમાં પહોંચ્યું ભાસ્કર.

ATSએ 12 દિવસના રિમાન્ડ મેળવ્યા

નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ગુજરાત ATSએ આતંકવાદી ષડયંત્ર કેસમાં ફૈઝાન શેખ નામના યુવાનની ધરપકડ કરી છે. 25 જાન્યુઆરી, 2026ના રોજ થયેલી આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ATSએ તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ફૈઝાન શેખ છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો હતો

ફૈઝાન શેખ હાલમાં નવસારીના ચારપુલ વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલા, નરપત નગરનો વતની છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો, જ્યાં મોટા પાયે જોબ વર્ક થાય છે અને ઉત્તરપ્રદેશના કારીગરો કામ કરે છે.
આ કારખાનામાં છેલ્લા કેટલાક વર્ષોથી ટેલરિંગનું કામ કરતો હતો.

જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો

ATSના જણાવ્યા અનુસાર, ફૈઝાન શેખ જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો હતો. તેના પર આતંક અને ભય ફેલાવવા માટે ચોક્કસ વ્યક્તિઓની હત્યા કરવાના ઇરાદે ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મેળવવાનો આરોપ છે.
આરોપી ફૈઝાન શેખ પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો મળ્યો.

ગેરકાયદેસર હથિયારો-વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળ્યો

તપાસ દરમિયાન, આરોપી ફૈઝાન શેખ પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો.

આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે તપાસ

હાલમાં, ATSની ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી છે જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે.

4 ડિસેમ્બર, 2025એ ગુજરાત ATSએ જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી
પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ અજયસિંહનો ફોન એક્સેસ કરી તમામ વિગતો મેળવી લેતા હતા.

અગાઉ 4 ડિસેમ્બર, 2025એ ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ATSએ જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી હતી.

ગોવાથી રાશમની રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. બંને આરોપી પાકિસ્તાનનાં સંપર્કમાં હતાં અને ISIS માટે કામ કરતાં હતાં. તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતાં હતાં.

રાશમની હનીટ્રેપ કરી જવાનો પાસેથી માહિતી મેળવી પાકિસ્તાની હેન્ડલર્સને પહોંચાડતી

આરોપી એ.કે. સિંહ આર્મીમાં સુબેદાર હતો અને તે પાકિસ્તાનના જાસૂસોને આર્મીની માહિતી આપતો હતો. જ્યારે રાશમની હનીટ્રેપ કરી આર્મી જવાનો પાસેથી માહિતી મેળવી પાકિસ્તાની હેન્ડલર્સને પહોંચાડતી હતી તેમજ તે મહેમદાવાદ તાલુકાના કાચ્છઈ ગામના યુવકના સંપર્કમાં હતી. આ યુવક સાથેની સંવેદનશીલ કડીઓ સામે આવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહિલા જાસૂસ મહેમદના એક ગામના યુવકના સંપર્કમાં હતી

ઝડપાયેલા જાસૂસો પૈકીની એક આરોપી મહિલા રાશમની રવીન્દ્ર પાલ કાચ્છઈ ગામના યુવકના સંપર્કમાં હતી. આરોપીઓએ યુવકને ફસાવવા માટે એક મોટું પ્રલોભન આપ્યું હતું. તેમણેએ આ યુવકને યુટ્યૂબ માટે વીડિયો એડિટિંગનું કામ આપવાની અને એના બદલામાં માસિક ₹20,000 પગાર આપવાની લાલચ આપી હતી, જે યુવકને જાસૂસીની જાળમાં ફસાવવાનો એક ભાગ હતો.
પાકિસ્તાન દ્વારા અજયકુમાર પાસેથી આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મૂવમેન્ટ વગેરે માહિતી માગવામાં આવતી હતી.

'રાધિકા'એ દિલ્હીથી યુવકને રાઉટર, ચાર્જિંગ કેબલ-અન્ય ડિવાઇસ મોકલ્યાં

આ ષડયંત્રના ભાગરૂપે, 'રાધિકા' નામની અન્ય એક મહિલાએ દિલ્હીથી આ યુવકને કુરિયર મારફત રાઉટર, ચાર્જિંગ કેબલ અને અન્ય ડિવાઇસ પણ મોકલ્યાં હતાં. આ જ મહિલાએ યુવકના લેપટોપમાં ભારતીય આર્મીના સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ સેવ કરાવ્યા હતા અને તેને ઝૂમ કરાવીને જોયા હતા.

આ ડોક્યુમેન્ટ્સ 23 નવેમ્બર 2024થી 19 માર્ચ 2025 સુધીના ગાળામાં જુદી જુદી પાંચ વાર મોકલવામાં આવ્યા હતા.

મહિલાઓની ગતિવિધિઓ શંકાસ્પદ લાગતાં યુવકે ગુજરાત ATSનો સંપર્ક કર્યો

જોકે આ યુવકને ટૂંક સમયમાં જ શંકા ગઈ. આ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરાવીને મોકલાયા હોવા છતાં તેનું કોઈ એડિટિંગ કરીને યુટ્યૂબમાં લગાવવાનું કામ કરવામાં આવ્યું ન હતું. આનાથી તેને મહિલાઓની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી. દેશની સુરક્ષા સાથે જોડાયેલા આ મામલાની ગંભીરતા સમજીને યુવકે
સાવચેતીના ભાગરૂપે 3 એપ્રિલ 2025એ ગુજરાત ATS પોલીસનો સંપર્ક કરીને સમગ્ર મામલે જાણ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત ATSએ ISIS સાથે સંકળાયેલા બે જાસૂસની ધરપકડ કરી

ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ છેલ્લા 5 મહિનામાં 8 લોકોને દેશવિરોધી પ્રવૃત્તિ કરતાં ઝડપી લીધા છે, જેમાં 7 નવેમ્બર, 2025એ અમદાવાદની રેકી કરનાર 3 આતંકવાદી આઝાદ શેખ, ડૉ. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ જીલાની અને મોહમ્મદ સુહેલ તથા 4 મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું.
7 નવેમ્બર, 2025ને શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. એના પછી ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઇ ખાસ સફળતા ન મળી, પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે ચાલતી કારમાં વિસ્ફોટ, 9નાં મોત
લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે ચાલતી કારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકનાં વાહનોનાં ચીંથરાં ઊડી ગયાં.

10 નવેમ્બર, 2025એ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે એક ચાલતી કારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકનાં વાહનોનાં ચીંથરાં ઊડી ગયાં. વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયાંના અહેવાલ હતા, પરંતુ ઘટનાના ત્રણ કલાક પછી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 8 લોકોનાં મોત થયાં છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે 9 લોકોનાં મોત થયાં છે. વાંચો સંપૂર્ણ સમચાર

ATSએ ગુજરાતના બે શખસ સહિત અલકાયદા સાથે સંકળાયેલા 4ને ઝડપ્યા
મહિના પહેલાં ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીં, તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી હતી.

0
0 views