
કોલકાતામાં ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, સ્ટેજને આગ ચાંપી દેવાતા તંગદિલી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે રવિવારે સાંજે પાટનગર કોલકાતામાં શાસક તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી ભાજપના સમર્થકો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. કોલકાતાના દક્ષિણ પશ્ચિમે આવેલા સાખેર બજારમાં આ ઘટના બની હતી, જ્યાં લાઉડ સ્પીકર મોટા અવાજે વગાડવા મુદ્દે હિંસા ફાટી નીકળી હતી.
અથડામણ દરમિયાન સ્ટેજને આગ ચાંપી દેવાઈ
અથડામણ દરમિયાન એક કામચલાઉ સ્ટેજ, જ્યાં ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ દેવે બપોરે જાહેર સભાને સંબોધિત કરી હતી, તેને પણ કથિત રીતે આગ લગાવી દેવામાં આવી હતી.
ભાજપના સમર્થકો દ્વારા ગેરવર્તણૂકના આરોપો
ટીએમસી ધારાસભ્ય રત્ના ચેટર્જીએ દાવો કર્યો હતો કે બેડમિન્ટન ટુર્નામેન્ટ દરમિયાન કેટલાક ભાજપના સમર્થકોએ ક્લબના સભ્યો સાથે ગેરવર્તણૂક કરી હતી. તેમણે ક્લબની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે આ આરોપ લગાવ્યો હતો.
ટીએમસી કાર્યકરોએ સ્ટેજને આગ લગાવી
ભાજપ સ્થાનિક ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો કે કેટલાક બદમાશોએ સાખેર બજારમાં કામચલાઉ સ્ટેજને આગ લગાવી દીધી હતી, જ્યાંથી બિપ્લવ દેવે દિવસે એક રેલીને સંબોધિત કરી હતી. બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની "પરિવર્તન સંકલ્પ યાત્રા" ના ભાગ રૂપે આ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.