logo

સુરત મનપા દ્વારા રત્નમાલા જંક્શન અને ગજેરા જંકશન પર ઇ.સી.પી પદ્ધતિથી 4 લેન ફ્લાયઓવર બ્રીજ અને કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફેનાં 2 લેન લોકાર્પણ.

સુરત મહાનગરપાલિકા દ્રારા આજરોજ રૂા.૬૨.૮૪ કરોડના ખર્ચે સાકારિત રત્નમાલા જંકશન અને ગજેરા જંકશન પર ઇ. પી. સી. પધ્ધતિથી ૪- લેન ફલાય ઓવર બ્રિજની કાંસાનગર થી અમરોલી તરફ જતાં એક તરફેના ૨- લેન બ્રિજનું લોકાર્પણ કાંસાનગર, કતારગામ, સુરત ખાતેથી કેન્દ્રીય મંત્રી,જળ શકિત મંત્રાલય,ભારત સરકાર સી.આર.પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં અને મેયર દક્ષેશ માવાણીનાં વરદહસ્તે સંપન્ન કરવામાં આવેલ.
આ બ્રિજની કુલ લંબાઈ ૧૦૩૦ રનિંગ મીટર છે, અને બંને બાજુ ૭.૫ મીટર પહોળી લેન ધરાવે છે. આ બ્રિજ સુરતના અમરોલી વિસ્તારને કતારગામ અને વેડ રોડ સાથે જોડે છે. આ વિસ્તારના જંકશનો પરનો ટ્રાફિક દિવસના મોટા ભાગ માટે એકસરખી રીતે ફેલાયેલો હોય છે, જેના પરિણામે ટ્રાફિક સિસ્ટમ પર વધુ ભાર પડે છે અને પરિસ્થિતિ વધુ વણસે છે. આ ફ્લાય ઓવર બ્રિજ ઉક્ત જંકશન પરના ટ્રાફિકના ભારણમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને લોકોના સમય અને ઇંધણની પણ બચત કરશે. ટ્રાફિકના ભારણને ધ્યાને રાખી કાંસાનગરથી અમરોલી તરફ જતાં એક તરફેના બ્રિજનું કામ પૂર્ણ થયેલ હોય, હાલ પુરતુ કાંસાનગરથી અમરોલી તરફ જતાં એક તરફેના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવેલ છે. તેમજ અમરોલી થી કાંસાનગર તરફ આવતા બ્રિજનું કામ હાલ પ્રગતિ હેઠળ છે.કાંસાનગર થી અમરોલી તરફ જતાં એક તરફનાં બ્રિજનો ખર્ચ રૂા.૩૧.૪૨ કરોડ થયેલ છે.
કાંસાનગર નજીક ગજેરા સર્કલ તેમજ રત્નમાલા જંકશન પર ફલાય ઓવર બ્રિજના નિર્માણ થયેથી સુરત શહેરમાંથી મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે પર જવા આવવા માટે વાહન ચાલકોને સરળતા રહેશે તથા ગજેરા સર્કલ તેમજ રત્નમાલા જંકશન ઉપરના ટ્રાફીકનું ભારણ ઘટાડી શકાશે. આ ફ્લાય ઓવર બ્રિજ સુરત-અમરોલી રોડ પર થતાં રત્નમાલા જંકશન નજીકના ટ્રાફીક નિવારણ અર્થે ઓકસીજન રૂપ પુરવાર થનાર છે. બ્રિજના નિર્માણનો લાભ અંદાજીત ૧૨ લાખ જેટલા નાગરિકોને થશે.
આ કાર્યક્રમમાં સંસદસભ્ય(રાજ્યસભા) ગોવિંદભાઈ ઘોળકિયા, ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, નેતા શાસકપક્ષ શશીબેન ત્રીપાઠી, પૂર્વ મેયર ડો.જગદીશ પટેલ, પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ, વિવિધ સમિતિના અધ્યક્ષઓ, મ્યુ.સદસ્યઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

0
200 views