logo

એલ.એલ.ડી.સી. (લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર) દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં ભવ્ય "એલ.એલ.ડી.સી. વિન્ટર ફેસ્ટિવલ'નું આયોજન અજરખપુર ખાતે યોજાશે

એલ.એલ.ડી.સી. (લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર) દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં ભવ્ય "એલ.એલ.ડી.સી. વિન્ટર ફેસ્ટિવલ'નું આયોજન અજરખપુર (તા. ભુજ) ખાતે કરવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને રાજ્યો વચ્ચેનું આ સાંસ્કૃતિક આદાન-પ્રદાન મહોત્સવ લોકોમાં ખાસ્સો લોકપ્રિય બન્યો છે અને હવે લોકો આ મહોત્સવની દર વર્ષે આતુરતાથી રાહ જુએ છે. વિન્ટર ફેસ્ટિવલમાં છેલ્લા સાત વર્ષોથી ગુજરાત, નોર્થ-ઈસ્ટના રાજ્યો, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ અને ઓડિશા જેવા વિસ્તારોની પરંપરાગત કલાઓને રજૂ કરતા કલાકારો અને કારીગરોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ગત વર્ષે કચ્છ સાથે ઓડિશાની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી સાથે 'એલ.એલ.ડી.સી. વિન્ટર ફેસ્ટિવલ ૨૦૨૫' યોજાયો હતો. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છ અને ઓડિશાના ગ્રામિણ પરંપરાગત ક્રાફટના કારીગરોને અને ત્યાંની લોક સંસ્કૃતિ સાથે વણાયેલા લોક સંગીત અને નૃત્યો તેમજ પરંપરાગત ખાણીપીણીને એક અનોખું પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. ઓડિશાના લગભગ ૧૦૦ જેટલા કલાકારો અને કારીગરોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો અને પ્રસિદ્ધ લોક નૃત્ય, લોક સંગીત, પરંપરાગત હસ્તકલા તેમજ શાકાહારી પરંપરાગત વાનગીઓ રજૂ કરી હતી. કચ્છના લોકો તેમજ અહીં આવતા પ્રવાસીઓએ આ અનેકતામાં એકતાનો સંદેશ આપતા લોક મહોત્સવમાં આનંદ માણ્યો હતો.

આ વર્ષે એલ.એલ.ડી.સી. ક્રાફટ મ્યુઝિયમને ૧૦ વર્ષ પૂર્ણ થતા વિશેષ અવસરે 'બેસ્ટ ઓફ બેસ્ટ - એલ.એલ.ડી.સી. વિન્ટર ફેસ્ટિવલ ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ તારીખ ૨૧ જાન્યુઆરી થી ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન એલ.એલ.ડી.સી., અજરખપુર (તા. ભુજ)ના પ્રાંગણમાં દરરોજ સાંજે ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી યોજાશે. આ આયોજન દ્વારા કચ્છની કલા, સંસ્કૃતિ અને સ્થાનિક કારીગરોની કારીગરી વધુ લોકોને પહોંચશે તેમજ કચ્છની ભાતીગળ લોક લોકસંસ્કૃતિ ઉજાગર થશે. વિશેષ રીતે ૨૦૨૬ વિન્ટર ફેસ્ટિવલ બેસ્ટ ઓફ બેસ્ટ પ્રસ્તુતિ હોતા, ગુજરાત, નોર્થ-ઈસ્ટના રાજ્યો, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ અને ઓડિશાના કલાકારો તેમજ કારીગરો પણ આ વર્ષે જોડાશે, જેથી વિવિધ રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને નવી દિશા મળશે. સાથે દરરોજ વિવિધ ડાન્સ ગ્રુપ્સ અવનવી રંગારંગ પ્રસ્તુતિઓ ગાર્ડન સ્ટેજ પર 6 થી 7 વાગ્યા દરમિયાન કરશે. અને મેઇન સ્ટેજની રજૂઆતોમાં તા. ૨૧ જાન્યુઆરીના સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલ, માનસી ગોહિલ તેમજ અન્ય કલાકારો, તા. ૨૨ જાન્યુ.ના ટેટ્સીઇઓ સિસ્ટર્સ (નાગાલેન્ડ), તા. ૨૩ જાન્યુ.ના ફોક-ફ્યુઝન ગ્રુપ નિમાડ (મધ્ય પ્રદેશ), તા. ૨૪ જાન્યુ.ના મુંબઈ નું પ્રસિદ્ધ ગ્રુપ કોંકન કલેક્ટિવ, અને તા. ૨૫ જાન્યુ.ના ઓસમાણ મીર અને આમિર મીર જેવા જાણીતા કલાકારો પોતાની ગીત-સંગીતની રજૂઆતોથી આ મહોત્સવમાં સૂર શબદની રોશની ભરી દેશે. ૨૧ જાન્યુઆરીના રોજ સાંજે 4:30 કલાકે કચ્છી સંગીત ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકાર મઝહરુદ્દીન મૂતવા અને ટીમ સાથે રિશી શેઠિયા, હરમન ઝાલા અને યજ્ઞ ગોર દ્વારા કચ્છના પરંપરાગત સંગીત અને વાદ્યો સાથે વિન્ટર ફેસ્ટિવલ ખુલ્લું મૂકવામાં આવશે. દરરોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં ગાર્ડન સ્ટેજ પર કચ્છની લોક સાંસ્કૃતિક લોક વાર્તાઓ અને લોક ગીતોની 'રેયાણ' યોજવામાં આવશે જેમાં પ્રથમ દિવસે કચ્છના લિટલ સ્ટાર્સ એવા બાળકલાકારો દ્વારા સંગીત કાર્યક્રમ રજૂ કરાશે, ત્યારબાદ કચ્છના સુપ્રસિદ્ધ સંગીત કલાકારોમાં નીલેશ ગઢવી, અનિરુદ્ધ આહીર અને દેવલબેન ગઢવી અલગ અલગ દિવસે રેયાણમાં જોડાશે, તેમની સાથે યોગેશ જોશી, અર્જુનદાન ગઢવી અને હિમાંશુ રાસ્તે જેવા સાહિત્યકારો અને જીલ યાજ્ઞિક, અંતરા ભટ્ટ, પૂજા પરમાર, પ્રિયમ પોતા, જીગ્નેશ ગઢવી અને જાનકી પંડયા જેવા ઊભરતા ગાયકો સાથે બાળ કલાકારો સાહિત્ય અને સંગીતની સુરમય સંગતમાં જોડાશે. અંતિમ દિવસે સુપ્રસિદ્ધ કબીર વાણીના આરાધક શબનમબેન વિરમાણી દ્વારા કબીરવાણી આધારિત કાર્યક્રમ યોજાશે. સંગીત સાથે દરરોજ કચ્છના નૃત્ય ગ્રુપ અને મધ્યપ્રદેશના 'લોકરાગ ડાન્સ ગ્રુપ' તેમની લોક નૃત્યોની પ્રસ્તુતિઓ રજૂ કરશે.

ફેસ્ટિવલ દરમિયાન ઉપરોક્ત રાજ્યો સહિત કચ્છની પરંપરાગત હસ્તકલાઓની કાફટ બજાર, લોક નૃત્યો, લોક સંગીત, ટ્રેડિશનલ ફૂડ કોર્ટ, મ્યુઝિયમ ગેલેરી, ક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેશન, હેન્ડ્સ-ઓન એક્ટિવિટીઝ, સેમિનાર, સેલ્ફી પોઈન્ટ અને વિવિધ રાજયોની પરંપરાગત વાનગીઓનો રસથાળ આ બધાનાં સંગમથી એક અનોખો સાંસ્કૃતિક મેળો સર્જાશે. તમામ પ્રવાસન રસિકો અને કલા-રસિકોને આ અદભૂત સાંસ્કૃતિક અનુભવને માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. એન્ટ્રી પાસ એલ.એલ.ડી.સી.ની વેબસાઈટ : www.shrujanlidc.org પરથી મેળવી શકાશે. માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક : 02832-229090 અને 8980329090 /9723568777 છે. સૌ કચ્છવાસીઓ માટે આ સુંદર લોક સાંસ્કૃતિક મહોત્સવ માણવાનો એક અનોખો અવસર ફરી એક વાર અજરખપુર માં યોજાશે

2
244 views