logo

પાટણ : સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન

પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્થિત રંગભવન હોલ ખાતે પાટણ જિલ્લા ઠાકોર સમાજનું વિશાળ બંધારણ મહાસંમેલન યોજાયું.આ મહાસંમેલનમાં પાટણ, બનાસકાંઠા તેમજ વાવ–થરાદ પંથકના સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનમાં ‘એક સમાજ–એક રિવાજ’ના સંકલ્પ સાથે સમાજમાંથી કુરિવાજો દૂર કરી નવું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો.લગ્ન, સગાઈ તથા મરણ જેવા સામાજિક પ્રસંગોમાં થતી બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ અને કુપ્રથાઓ પર કડક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો.નવા બંધારણ મુજબ સગાઈ પ્રસંગે માત્ર 21 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જ્યારે લગ્ન માટે મહત્તમ બે માસની સમયમર્યાદા રાખવામાં આવી છે. સાથે જ જાનમાં વાહનો તથા વ્યક્તિઓની સંખ્યા પણ નિશ્ચિત કરવામાં આવી છે.ડીજે, સનરોફ ગાડી, ઓઢામણું તેમજ દાગીનાની અતિશયતા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
સંમેલનમાં સમાજના આગેવાનોને બંધારણના પાલન માટે શપથ લેવડાવવામાં આવ્યો હતો અને બંધારણનું જાહેર વાચન પણ કરવામાં આવ્યું.નવા બંધારણના કડક અને અસરકારક અમલીકરણ માટે તાલુકા તેમજ ગામ સ્તરે સંકલન સમિતિ રચવાની પણ જાહેરાત કરવામાં આવી.આ બંધારણનો વ્યાપક અમલ સુનિશ્ચિત કરવા આગામી તારીખ 4ના રોજ બનાસકાંઠાના ઓગડ ખાતે વધુ એક મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

ઠાકોર સમાજની આ પહેલને સમાજ સુધારણા અને સમાનતા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ નિર્ણયથી આર્થિક રીતે નબળા પરિવારોને રાહત મળશે અને સમાજમાં એકતા તથા સમરસતા વધુ મજબૂત બનશે.

4
1910 views