logo

ગુજરાતમાં વાહન ચેકિંગના નામે મનમાની: નકલી, સસ્પેન્ડ અને ઓફ-ડ્યુટી પોલીસ ઊભી રહેતી હોવાના ગંભીર આક્ષેપ

ગુજરાતમાં વાહન ચેકિંગના નામે મનમાની: નકલી, સસ્પેન્ડ અને ઓફ-ડ્યુટી પોલીસ ઊભી રહેતી હોવાના ગંભીર આક્ષેપ
સુરત/ગુજરાત:
રાજ્યમાં પોલીસ દ્વારા થતી વાહન ચેકિંગ પ્રક્રિયા અંગે સામાન્ય નાગરિકોમાં ભારે અસંતોષ અને ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. વાહન ચેકિંગ કાયદેસર છે, પરંતુ જે રીતે તે અમલમાં મૂકાઈ રહી છે તે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં એવી ફરિયાદો સતત સામે આવી રહી છે કે
ચેકિંગ સમયે ઘણા પોલીસ કર્મચારીઓ યુનિફોર્મ અને ઓળખપત્ર (આઈ-કાર્ડ) વિના ઊભા રહે છે,
ચેકિંગ કયા આદેશ હેઠળ અને કયા ઉપલા અધિકારીની સૂચનાથી ચાલી રહ્યું છે તેનો કોઈ અધિકૃત મેમો હાજર હોતો નથી,
અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે નકલી પોલીસ, સસ્પેન્ડ કરાયેલા અથવા ઓફ-ડ્યુટી પોલીસ કર્મચારીઓ પણ ચેકિંગમાં સામેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આવી સ્થિતિમાં સામાન્ય નાગરિક માટે સાચા પોલીસ કર્મચારી અને અનધિકૃત વ્યક્તિ વચ્ચે ફરક કરવો અશક્ય બની જાય છે, જે સીધો જાહેર સુરક્ષા માટે ખતરો છે.
જો કોઈ નાગરિક નમ્રતાપૂર્વક ઓળખપત્ર કે અધિકૃતતા અંગે પ્રશ્ન કરે, તો ઘણી જગ્યાએ “ફરજમાં ખલેલ” જેવી કલમો લગાવવાની ધમકી આપવામાં આવે છે. લોકશાહીમાં પ્રશ્ન પૂછવો ગુનો નથી, અને કાયદાના શાસનમાં પોલીસ અને જનતા બન્ને જવાબદાર છે.
આ મામલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને સ્પષ્ટ જવાબ આપવા પડશે કે
વાહન ચેકિંગમાં કોણ ઊભું રહી શકે?
શું સસ્પેન્ડ કે ઓફ-ડ્યુટી પોલીસને ચેકિંગનો અધિકાર છે?
નકલી પોલીસ સામે અત્યાર સુધી કેટલી કાર્યવાહી કરવામાં આવી છે?
સરકાર તાત્કાલિક સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરે કે વાહન ચેકિંગમાં ફરજ પર નિયુક્ત, સક્રિય અને ઓળખપત્ર ધરાવતા પોલીસ કર્મચારીઓ જ સામેલ રહેશે, નહિ તો જનતાનો વિશ્વાસ તંત્ર પરથી સંપૂર્ણપણે ઊઠી જશે.
પ્રેસ નોંધ
(નાગરિક તરફથી રજૂઆત)


0
0 views