
ભાટસણ PM SHRI શાળાની દીકરી કશિશ નાયકનું ગીત રેકોર્ડિંગ: વર્ગખંડથી સ્ટુડિયો સુધીની પ્રેરણાદાયી સફર
નવી શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને કૌશલ્ય આધારિત (Skill-based) શિક્ષણ આપવાના ઉમદા અભિગમને ભાટસણ પગાર કેન્દ્ર શાળાએ સાર્થક કરી બતાવ્યો છે. શાળાની તેજસ્વી વિદ્યાર્થીની કશિશ નાયકની ગાયન પ્રતિભાને ઓળખી, તેને પ્રોફેશનલ રેકોર્ડિંગ સ્ટુડિયો સુધી પહોંચાડી એક નવો રાહ ચીંધ્યો છે.
પ્રતિભાની ઓળખ અને પ્રોત્સાહન:
શાળામાં યોજાતા 'આનંદદાયી શનિવાર' કાર્યક્રમ દરમિયાન શિક્ષકોનું ધ્યાન કશિશના મધુર અવાજ પર ગયું હતું. કશિશ હાલ KGBV હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને તેના પિતાનું છત્ર ગુમાવ્યું છે. તેની આર્થિક પરિસ્થિતિ અને સંગીત પ્રત્યેની રુચિને ધ્યાને રાખી, શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળી અને આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ તેને એક યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું નક્કી કરવામાં આવ્યું.
સામૂહિક પ્રયાસોથી સિદ્ધિ:
દીકરીની કળાને મઠારવા માટે વર્ગશિક્ષક પ્રીતિબેન પટેલ અને સંગીત શિક્ષક અંકિતાબેન જાદવ દ્વારા સતત પ્રોત્સાહન મળ્યું. સ્થાનિક ગાયક અર્જુનજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ, સાવિયાણા ગામના 'રામાધણી રેકોર્ડિંગ સ્ટુડિયો' ખાતે કશિશનું ગીત રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં સ્ટુડિયોના સંચાલકો અને ભાટસણ શાળાના સ્ટાફ પરિવારે પણ સરાહનીય સહયોગ આપ્યો હતો.
ભવિષ્યનું આયોજન:
આ અંગે શિક્ષક નિલેશ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, "અમારો હેતુ કશિશની પ્રતિભાને માત્ર શાળા પૂરતી મર્યાદિત રાખવાનો નથી. પિતાની છત્રછાયા ગુમાવનાર આ દીકરી ભવિષ્યમાં અભ્યાસની સાથે સંગીતના ક્ષેત્રમાં પણ આગળ વધે અને આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે અમે તેને તૈયાર કરી રહ્યા છીએ."
NEP 2020 ના લક્ષ્યાંકોને સાચા અર્થમાં ચરિતાર્થ કરતી આ પહેલને ગ્રામજનો અને શિક્ષણ જગતે બિરદાવી છે.