logo

વડોદરામાં રાજ્યકક્ષાની બધિર ખેલ ટુર્નામેન્ટમાં પાટણનું ગૌરવ

પાટણની બહેરા મૂંગા શાળાના ખેલાડીઓએ 21 મેડલ જીત્યા

વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની એથલેટિક બધિર ખેલ ટુર્નામેન્ટમાં પાટણ જિલ્લાના શ્રીમતી એમ.કે. વ્યાસ અને શ્રીમતી વાય.આર. સાંડેસરા બહેરા મૂંગા શાળાના ખેલાડીઓએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી.

વિવિધ એથલેટિક ઇવેન્ટમાં વય જૂથ મુજબ ઉત્સાહભર્યું પ્રદર્શન કરીને કુલ 21 મેડલ — આઠ ગોલ્ડ, નવ સિલ્વર અને ચાર બ્રોન્ઝ — પોતાના નામે કરીને પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બાર ખેલાડીઓએ આ વિજય મેળવ્યો છે.

આ ખેલાડીઓમાંથી અંદાજે આઠથી દસ ખેલાડીઓ આગામી જાન્યુઆરી-2026માં યોજાનારી નેશનલ ડેફ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ માટે પસંદગી મેળવવાની પૂરી શક્યતા છે.

શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈ તથા કોચ રાહુલ સલાટના સતત માર્ગદર્શન અને તાલીમના પરિણામે ખેલાડીઓએ સરાહનીય દેખાવ કર્યો છે. શાળાના મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, વહીવટી અધિકારી ઉષાબેન બૂચ, સહમંત્રી કુસુમબેન ચંદારાણા તથા મુંબઈથી ટ્રસ્ટીશ્રીઓએ વિજેતા ખેલાડીઓ તેમજ સમગ્ર શાળા-છાત્રાલય ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

સતત મેદાનની સુવિધા પૂરી પાડવા બદલ જિલ્લા રમતગમત સંકુલ, પાટણ તેમજ ટુર્નામેન્ટના સરસ આયોજન બદલ ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ અને યજમાન મૂકબધિર મંડળ વડોદરાનો આભાર માનવામાં આવ્યો હતો.

ગત વર્ષે કેરળમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતે મેળવેલા આઠ મેડલમાંથી છ મેડલ પણ પાટણની બહેરા મૂંગા શાળાએ મેળવ્યા હતા – જે પાટણના ખેલાડીઓની પ્રતિભા અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

6
4745 views