logo

૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગોધરા વિધાનસભામાં પદયાત્રા યોજાઈ પદાધિકારી,અધિકારીઓ,પો.જવાનો,વિદ્યાર્થીઓ અને નગરજનોએ પદયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો

એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' અંતર્ગત ગોધરા વિધાનસભાની પદયાત્રા રાજ્યસભા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પદયાત્રા સરદાર નગરખંડથી શરૂ થઈ ગણેશ વિસર્જનના રૂટ પર થઈ લાલબાગ બસ સ્ટેન્ડ પાછળના મેદાન પર જઈ પૂર્ણ જાહેર કરાઈ હતી.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રનિર્માણમાં આપેલા અદ્ભુત યોગદાનને ઉજાગર કરતા સરદારના વકીલાત છોડીને ગાંધીજીના અહિંસાના માર્ગે દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાવાથી લઈને, ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોનું નેતૃત્વ કરીને 'સરદાર'નું બિરુદ મેળવવા સુધીની તેમની યાત્રાનું નિરૂપણ કરવામાં આવ્યું હતુ. ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની તકને ગાંધીજીના આદેશને માન આપીને જતી કરવાનો સરદાર પટેલનો ઉલ્લેખ કરીને તેમની વિશાળ હૃદયતા અને મહાન બલિદાનના ગુણને દર્શાવ્યો હતો. તેમણે સરદારના સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન તરીકે તેમણે ૫૬૨ જેટલા રજવાડાઓને એક કરીને ભારતના નકશાને ભૌગોલિક રીતે એક કર્યો, જેમાં જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોને કૂટનીતિ અને દૃઢ સંકલ્પથી ભારતમાં ભેળવ્યા હતા તેમ જણાવી આધુનિક ભારતના વહીવટી માળખાને મજબૂત કરવા સરદાર પટેલે દૂરંદેશીભર્યા નિર્ણય લીધા કે જેણે દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં સાંસદશ્રીએ વર્તમાન યુગમાં સરદારના એકતાના સંદેશનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે તેમ જણાવી અંતે રાષ્ટ્રપ્રેમ અને એકતાના માર્ગે ચાલીને, વિકસિત ભારતના ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો પ્રત્યે સભાન થવા અને દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતુ. સરદાર પટેલ પાસેથી પ્રેરણા લઈને, આજના દરેક નાગરિકે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે કટિબદ્ધ થવું જોઈએ, જે લોહપુરુષના વારસાને સાચી શ્રદ્ધાંજલિ હશે તેમ તેમણે જણાવ્યુ હતુ.
આ તકે મુખ્ય વક્તા મયુરભાઈ સુથારે જણાવ્યુ હતુ કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગોધરા વિધાનસભા ખાતે આયોજિત 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' પદયાત્રાનો મુખ્ય હેતુ યુવાનો અને સમાજમાં સરદાર સાહેબના અખંડ ભારતના નિર્માણના વિચારો અને તેમના આદર્શ વ્યક્તિત્વને પહોંચાડવાનો છે. વક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર સાહેબે ૧૯૪૭માં આઝાદી પછી ૫૬૨ જેટલા દેશી રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું, જે અત્યંત મુશ્કેલ કાર્ય હતું. તેમણે ભારતને ચાણક્ય-ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને મહારાણા પ્રતાપ સુધીના મહાપુરુષોની 'દેવભૂમિ' ગણાવી, તે પરંપરાને આગળ લઈ જઈ ભારતની અખંડિતતા માટે સરદાર પટેલના દૃઢ નિર્ણયોને અગત્યના ગણાવ્યા હતા. આ ઉપરાંત, શ્રી મયુરભાઇએ સરદાર પટેલના મહાન વ્યક્તિત્વને દર્શાવતી કેટલીક ઘટનાઓ રજૂ કરી હતી. જેમાં તેમણે સરદાર પટેલની નિષ્ઠા અને પરિવારવાદથી દૂર રહેવાની વિચારધારા તથા તેમની અને તેમના પરિવારની સાદગી અને ત્યાગભાવનાના મૂલ્યોને પ્રદર્શિત કર્યા હતા. આ પદયાત્રા વિકસિત ભારત નિર્માણના લક્ષ્ય સાથે સરદાર સાહેબના એકતા, રાષ્ટ્રપ્રેમ અને દૃઢ સંકલ્પના વારસાને યુવાનોમાં જીવંત રાખવાનો પ્રયાસ છે.
આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પદયાત્રાની પ્રારંભમાં સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવી-ભાવાંજલી અર્પણ કરી હતી. અગ્રણી શ્રી મયંકભાઇ દેસાઈએ પદયાત્રાના પ્રારંભે શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ તમામ મહાનુભાવોએ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રા દરમિયાન તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને સહભાગીઓ સાથે મળીને ગોધરાના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રાષ્ટ્ર્રના ઉત્થાન માટે એકતા, સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીનો મહત્વનો સંદેશો ફેલાવ્યો હતો. આ તકે શરૂઆતમાં તમામ મહાનુભાવો અને નગરજનો દ્વારા સ્વદેશી શપથ લેવામાં આવ્યા હતા તેમજ પદયાત્રાના સમાપન સમારોહમાં મહાનુભાવો અને નગરજનોએ એકસાથે નશા મુક્ત ભારત અભિયાનની પ્રતિજ્ઞા લીધી હતી.
આ એકતા પદયાત્રામાં રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમાર, ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.દેસાઈ, નગરપાલિકા પ્રમુખશ્રી જયેશભાઇ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિત સરદાર પટેલ જન્મ જયંતી અવસરે યોજાનાર પદયાત્રા કાર્યક્રમના જિલ્લાના ઇન્ચાર્જ કોર્ડિનેટરશ્રી મેહુલભાઈ પટેલ, જિલ્લાના અગ્રણી સર્વશ્રી કુલદીપસિંહજી, નિર્મિતભાઈ, સમરસિંહભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, કાર્યક્રમના સહ ઇન્ચાર્જ ગિરીશભાઈ, પરેશભાઈ તેમજ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ તથા પોલીસ જવાનો, એન.એસ.એસ. અને એન.સી.સી. ટીમ, મહિલાઓ-પુરૂષો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ આ યુનિટી માર્ચ- પદયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

2
193 views