logo

વરસામેડીમાં બંધ ઘરનાં તાળાં તોડી 1.09 લાખની મતાની તફડંચી.

ગાંધીધામ, તા. 16 : અંજારના વરસામેડીની બાગેશ્રી-ત્રણ સોસાયટીમાં આવેલાં એક મકાનનાં તાળાં તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ ઘરમાંથી રોકડ રૂપિયા, દાગીના મળીને કુલ રૂા. 1,09,500ની મતાની તફડંચી કરી હતી. વરસામેડીના ઓમનગરની બાજુમાં બાગેશ્રીનગર-3ના મકાન નંબર 79-એમાં તસ્કરોએ હાથ માર્યો હતો. અહીં રહેતા ફરિયાદી રૂપાબેન અનિલ ચૌધરીના માતાનું અવસાન થતાં આ મહિલા પોતાના પતિ અને દીકરી સાથે તા. 2/11ના કર્ણાટક જવા નીકળ્યાં હતાં. પોતાનાં ઘરને તાળાં મારી ત્યાં ગયેલો આ પરિવાર તા. 14/11ના પરત આવતાં ગેટને તાળું હતું, પરંતુ મુખ્ય દરવાજાના તાળાં તૂટેલાં જણાયાં હતાં. અંદરના બીજા રૂમમાં સરસામાન વેરવિખેર પડયો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાઉન્ડરી કૂદીને આવેલા તસ્કરોએ બીજા રૂમ સુધી પહોંચી કબાટ ખોલી તેમાંથી રોકડ રૂા. પ000 તથા સોનાની વીંટી, કાનમાં પહેરવાના સોનાના બુટિયા નંગ-બે, નાકમાં પહેરવાની સોનાની ત્રણ નથડી, ચાંદીના સાંકળાં નંગ-બે, હાથમાં પહેરવાના ચાંદીના પંજા નંગ-બે, પગમાં પહેરવાની ચાંદીની વીંટી નંગ-4, ચાંદીના 16 સિક્કા, ચાંદીનું પ0 ગ્રામનું બિસ્કિટ, બે મોબાઈલ, પ0 સાડી, પ0 કૂર્તિ, 6 પાયજામા, પાન કાર્ડ, લાલ બુક, સિલિન્ડર બુક, આયુષ્માન કાર્ડ વગેરે મળીને કુલ રૂા. 1,09,500 મતાનો હાથ મારીને રફુચક્કર થયા હતા. ઠંડીની શરૂઆત થઈ છે. રાતના સમયે મોટા ભાગે લોકો ઘરોમાં સંતાઈ જતા હોય છે, ત્યારે ઘરફોડ ચોરીના બનાવો ઉજાગર થતાં ભારે ચકચાર પ્રસરી છે. સાથોસાથ રાત્રિ પેટ્રોલિંગ વધારવા લોકોમાં માંગ ઊઠી છે.

13
258 views