
અમીત ખુંટ આપઘાત કેસમાં રીબડાના રાજદીપસિંહ પોલીસના શરણે આવતા ધરપકડ: રીમાન્ડની તજવીજ.
ગોંડલ, તા.૧૧ રીબડાનાં ચર્ચિત બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી પૈકીના રીબડાનાં રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા બનાવનાં છ મહીના ફરાર રહ્યા બાદ ગત રાત્રે ગોંડલ તાલુકા પોલીસ માં સરેન્ડર થતા પોલીસે તેની ધરપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.
રીબડા રહેતા અમીત દામજીભાઇ ખુંટ સામે રાજકોટ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન માં દુષ્કમ અંગે ફરિયાદ થયા બાદ તા.૫/૫/૨૦૨૫ ના પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. અમીતે લખેલી સ્યુસાઈડ નોટ માં પોતાને ખોટી રીતે હનીટ્રેપ તથા દુષ્કર્મ માં ફસાવી મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિત નાં નામ લખ્યા હોય તાલુકા પોલીસે ગુન્હો નોંધી પીઆઇ એ.ડી. પરમારે તપાસ હાથ ધરી હતી દરમ્યાન અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહ ફરાર થઇ ગયા હતા.એક દોઢ માસ પહેલા આ બનાવ માં અનિરુદ્ધસિંહ કોર્ટ માં સરેન્ડર થતા પોલીસે તેનો કબજો સંભાળી રીમાન્ડ સહિતની કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયા હતા.
દરમ્યાન પોલીસ ફરિયાદનાં છ મહીના બાદ સોમવાર રાત્રીનાં રાજદિપસિહ તાલુકા પોલીસમાં સરેન્ડર થયા છે.અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં પોલીસ ફરિયાદ થયા બાદ રાજદિપસિંહ ગોંડલ સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ તમામ કોર્ટ માં આગોતરા જામીન નામંજુર થયા હતા. આખરે આજે તાલુકા પોલીસ માં સરેન્ડર થયા છે.અમીત ખુંટ આપધાત કેસ માં પોલીસે અનિરુદ્ધસિંહ, સગીરા ઉપરાંત પુજા રાજગોર, વકીલ સંજય પંડીત તથા દિનેશ પાતર, અતાઉલ મણીયાર તથા શબ્બીર સુલેમાન ની ધરપકડ કરી હતી.જ્યારે નાસતા ફરતા રાજદિપસિંહ સરેન્ડર થયા છે. આ ચકચારી કેસ નો અન્ય આરોપી રહીમ મકરાણી નાશતો ફરતો હોય હજુ સુધી પોલીસ પક્કડ થી દુર છે.
ફરાર થઈ ગયેલા રાજદિપસિંહ તાલુકા પોલીસમાં સરેન્ડર થતા આ ચકચારી કેસ નાં મુળ તપાસનીસ અને હાલ જેતપુર પીઆઇ એ.ડી પરમાર ગોંડલ પોલીસ સ્ટેશન દોડી આવી રાજદિપસિંહ ની પુછતાછ હાથ ધરી હતી. દરમિયાન ગોંડલ તાલુકા પોલીસે રાજદિપસિંહ જાડેજાની ધરપકડ કરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.