દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈઍલર્ટ, શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ.
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં ભાગદોડ થઈ ગઈ છે. ભયંકર વિસ્ફોટ થતાં કારમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હીમાં બ્લાસ્ટને લઈને આઠ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ફાયર બિગ્રેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે, ત્યારે બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, મુંબઈ અને યુપીમાં પણ ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના મોટા શહેરોમાં પોલીસ ઍલર્ટ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરાશે.ભીડભાડવાળી જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરશે. ગુજરાતના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસએ ગુજરાતભરના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા અધિક્ષકોને તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રોમાં સતર્કતા વધારવા અને સુરક્ષા પગલાં વધારવાનો નિર્દેશ આપ્યો છે.