
ગોધરામાં પતિએ જ પત્નીની હત્યા કરી:
નાટકબાજ હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી, પોતે જ આજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
ગોધરા તાલુકાના આંગળીયા ગામે 14 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે થયેલી સવલીબેન દેવીસિંહ રાઠવા (ઉંમર 54)ની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ગોધરા તાલુકા પોલીસે આ ગુનાનો પર્દાફાશ કર્યો છે, જેમાં મૃતકના પતિ દેવીસિંહ જનાભાઈ રાઠવા જ હત્યારા નીકળ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ, મૃતક સવલીબેન રાઠવા પોતાના ઘરે સૂતા હતા ત્યારે રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા ઇસમે હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ દેવીસિંહ જનાભાઈ રાઠવાએ ફરિયાદ નોંધાવી હતી.ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 332(ક) અને જી.પી. એક્ટ 135 હેઠળ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતે નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલ અને ગોધરા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપીની ધરપકડ કરવા સૂચના આપી હતી.
આ સૂચનાના આધારે LCB ગોધરા અને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન, ફરિયાદી દેવીસિંહ રાઠવા પર શંકા જતા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક સાથે ઘરકંકાસ થતો હતો. આ ઘરકંકાસના કારણે દેવીસિંહ રાઠવાએ રાત્રિના સમયે પોતાની પત્ની સવલીબેનના માથા અને મોઢાના ભાગે હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી.
આમ, LCB ગોધરા અને ગોધરા તાલુકા પોલીસની ટીમોએ ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આરોપી દેવીસિંહ જનાભાઈ રાઠવા (રહે. આંગળીયા ડુંગર ફળિયું, તા. ગોધરા, જિ. પંચમહાલ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.