
ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર, મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા
સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ મંત્રીઓના રાજીનામા તૈયાર હતા અને તેઓએ પક્ષના સૂચન અનુસાર રાજીનામા સોંપ્યા છે. સૌપ્રથમ રાજીનામું જગદીશ વિશ્વકર્માએ આપ્યું હતું, જે હાલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. હવે તમામ રાજીનામા રાજ્યપાલને સોંપવાની પ્રક્રિયા શરૂ થશે.
નવી કેબિનેટની રચના માટે ચર્ચા તેજ
માહિતી અનુસાર, નવી કેબિનેટની રચના માટે ચર્ચાઓ ચાલી રહી છે. કચ્છ જિલ્લાના છ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવવાની શક્યતા છે. માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં ભાજપના 53માંથી 43 ધારાસભ્ય છે, જેમાંથી ચાર ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો અહેવાલ છે. આ ક્ષેત્રમાંથી એક કડવા પટેલ, એક OBC અને એક ST ધારાસભ્યને સ્થાન મળવાની શક્યતા છે. ઋષિકેશ પટેલ મંત્રીમંડળમાં યથાવત રહેશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડયું છે.
કોણ બનશે નવા મંત્રી?
ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ સનદી અધિકારી પી.સી. બરંડાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થવાની ચર્ચા છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં 47માંથી ભાજપ પાસે 42 બેઠકો છે, જેમાંથી 7 થી 8 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સૌરાષ્ટ્રમાંથી ત્રણ લેઉવા અને એક કડવા પાટીદાર ધારાસભ્યનો સમાવેશ થવાની શક્યતા છે. સાથે જ કોળી સમાજના બે, આહિર સમાજના એક, SCના એક અને ક્ષત્રિય સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવી શકે છે.
કિરીટસિંહ રાણા અને રિવાબા જાડેજા જેવા નેતાઓનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થવાની શક્યતા છે. આહિર સમાજમાંથી ઉદય કાનગડનું નામ ચર્ચામાં છે, જ્યારે કુંવરજી બાવળિયા યથાવત રહી શકે છે. પરસોત્તમ સોલંકીના સ્થાને ભાઈ હીરા સોલંકી, અર્જુન મોઢવાડિયા અને કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજા જેવા નેતાઓને પણ સ્થાન મળી શકે છે.
મધ્ય ગુજરાતમાંથી પણ પાંચથી છ ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે. રમણ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, રમેશ પટેલ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જેવા નામો પર વિચારણા ચાલી રહી છે.
આ રીતે ગુજરાતમાં ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાવાની શરૂઆત થઈ છે, અને હવે સૌની નજર નવી કેબિનેટની જાહેરાત પર ટકી છે.