
રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૫ અંતર્ગત નાગવાસણ ખાતે ખેડૂત નિદર્શન અને મોડેલ ફાર્મ મુલાકાત કાર્યક્રમ યોજાયો
પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, જૈવિક ખાતરનો ઉપયોગ, માટી સ્વાસ્થ્ય સુધારણા, અને સતત કૃષિ પ્રથાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી
રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૫ના આયોજન અંતર્ગત આજ રોજ સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂત શ્રી દિનેશભાઈ ચૌધરીના મોડેલ ફાર્મ પર ખેડૂત નિદર્શન તેમજ મોડેલ ફાર્મ મુલાકાત કાર્યક્રમ યોજવામાં આવ્યો.
કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, તાલુકા અમલીકરણ અધિકારી, વિસ્તરણ અધિકારી, આત્મા યોજના સિદ્ધપુરનો સ્ટાફ, ગ્રામસેવકો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન રવિ ઋતુના વિવિધ પાકો વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, જૈવિક ખાતરનો ઉપયોગ, માટી સ્વાસ્થ્ય સુધારણા, અને સતત કૃષિ પ્રથાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
ખેડૂતોને જીવામૃત ખાતર તૈયાર કરવાની પ્રત્યક્ષ પ્રાયોગિક પ્રક્રિયા નિદર્શન રૂપે બતાવવામાં આવી, જેથી ખેડૂતો આ તકનિકીનો ઉપયોગ પોતાના ખેતરમાં કરી શકે. ત્યારબાદ ઉભા પાકોની મુલાકાત પણ લેવામાં આવી અને પાકની સંભાળ, જીવાત નિયંત્રણ તથા ઉત્પાદન વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી.
આ રીતે માહિતીપ્રદ અને પ્રાયોગિક જ્ઞાનથી સમૃદ્ધ ખેડૂત ગોષ્ઠિ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં નવી તકનીકો અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ તથા જાગૃતિ ઉદભવી હતી.