logo

ગાયપગલા ખાતે ખેડૂત ચેતના મહાસંમેલન યોજાયું - સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી આશરે ત્રણેક હજાર ખેડૂતો ઉપસ્થિત રહ્યા .

ગાયપગલા ખાતે ખેડૂત ચેતના મહાસંમેલન યોજાયું

- સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી આશરે ત્રણેક હજાર ખેડૂતો ઉપસ્થિત રહ્યા : જાણીતા અર્થશાસ્ત્રી પ્રો.હેમંત શાહ અને મહારાષ્ટ્રથી વિજય જાવન્ધ્યા ની પ્રેરક ઉપસ્થિતિ

સુરત.તા.28,
સુરત જિલ્લાના ગાયપગલા ખાતે ખેડૂત ચેતના મહાસંમેલન યોજાયું હતું. ખેડૂત સમાજ ગુજરાત આયોજિત આ સંમેલનમાં સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી આશરે ત્રણેક હજાર ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જાણીતા અર્થશાસ્ત્રી પ્રો.હેમંત શાહ અને મહારાષ્ટ્રથી વિજય જાવન્ધ્યા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ખેડૂત સમાજ ગુજરાતના ઉપક્રમે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ તેમજ ડાંગ જિલ્લા માંથી પસાર થતી વીજ ટાવર લાઈન, ઘલા લીગ્નાઈટ માઈન પ્રોજેક્ટ, ભારતમાલા પ્રોજેક્ટ, વાપી-શામળાજી હાઇવે, પાર–તાપી નર્મદાની લીંક નહેર વિગેરે અંગેના જમીન સંપાદન, સુરત, નવસારી તેમજ ભરૂચ-અંકલેશ્વરની ટાઉન પ્લાનીંગ સ્કીમ, લીગલ ગેરંટી સાથે ની એમએસપી (સી2 + 50%) કાકરાપાર જમણાકાંઠા વિભાગની નહેરો ૯૦ દિવસ માટે બંધ કરવા બાબતે ફેર વિચારણા કરવા,ખાંડનાં પોષણક્ષમ ભાવ જેવી અનેકવિધ ખેતી અને ખેડૂત ને લગતી સમસ્યાઓ થી માહિતગાર કરવા તેમજ તે અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે એક વિશાળ ખેડૂત ચેતના મહાસંમેલનનું આયોજન રવિવારના રોજ ગાય પગલા, કામરેજ, NH-48 નજીક રાખવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય નેતા વિજય જાવન્ધ્યા અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.હેમંતકુમાર શાહ સહિત રાજ્ય કક્ષાના ખેડૂત આગેવાનો,સહકારી આગેવાનો, વિચારકો, વિશ્લેષકો ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સંમેલનમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
જ્યારે સહકારી અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે પોતાની આક્રમકઃ શૈલીમાં સત્તાધારી પક્ષના નેતાઓ સામે આકરા પ્રહાર કર્યા હતા. આજે આપણે જાત-પાત માંથી નીકળી ખેડૂત ધર્મ બજાવી ફરજ બજાવવાની છે. ભાજપના ધારાસભ્યો કાવડી પહેરીને બેઠા છે, સુગર ચેરમેનોને પણ તેમણે આડે હાથ લીધા હતા. 90 દિવસ નહેર બંધ રાખવા મુદ્દે તેમણે બની બેઠેલા આગેવાનો સામે પ્રહાર કર્યા હતા અને આ કામ સમયમર્યાદામાં પૂર્ણ થવાનું નથી. એવું પણ તેમણે ઉમેર્યું હતું. મહારાષ્ટ્રથી પધારેલા ખેડૂત આગેવાન વિજય જાવન્ધ્યાએ જણાવ્યું કે, ૧૯૮૦ થી ગુજરાત આવી રહ્યો છું. ખેડૂત સમાજ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. મનમોહનસિંહ ની સરકાર વખતે સી૨ + ૫૦ ટકા એમ.એસ.પી ના કાયદા ની વાત કરી હતી. વડાપ્રધાન ને અવારનવાર પત્રો લખવામાં આવે છે. હિન્દુ હિન્દુ વાતો કરો છો, હિન્દુ સમાજના ખેડૂતો ની મજૂરી કેટલી વધી ? મજૂરોને ગુલામ બનાવી દેવાયા છે. ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ નો મુદ્દો અને બિહાર જેવા રાજ્યોમાં ચૂંટણી જીતવા ખેડૂતોને પ્રલોભનો અપાય છે. તેમણે શહેરીકરણ થવા મુદ્દે પણ ખેડૂતોને પ્રકાશ પાડ્યો હતો. તેમણે વડાપ્રધાન સામે કટાક્ષ કરીને કહ્યું કે, આટલું જુઠ્ઠું બોલનાર વ્યક્તિ આટલો લોકપ્રિય કઈ રીતે થઈ ગયો.
જાણીતા અર્થશાસ્ત્રી પ્રો.હેમંત શાહે ઉદબોધન કરતા જણાવ્યું કે, દેશમાં સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું એ સહકારી ક્ષેત્રને ખતમ કરવા માટે બનાવ્યું છે. દેશને ગુલામ કરવા માટે જે લોકો સત્તા ઉપર બેઠા છે, એ બધા ને ઘરે મોકલવાની જરૂર છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત ખેડૂત સમાજના આ આંદોલનને તેમણે આઝાદીનું આંદોલન ગણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, નહેર બંધ રાખવા મુદ્દે અધિકારીઓને મળ્યા તો, ૯૦ દિવસ પાણી બંધ કરવાનો સર્ક્યુલર હજુ નીકળ્યો નથી. બજેટ ક્યાંથી લાવવાના…? એજન્સી ની નિમણૂક કરી કે કેમ.?? તેનો કોઈ જવાબ નથી. માત્ર ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે નહેર બંધ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ તેમણે જાહેર મંચ પરથી કર્યો હતો.
તેમણે પ્રેસ કોન્ફરન્સ કરનાર નેતાઓને જવાબ આપતા કહ્યું કે, અમને તો ખેડૂતોએ નેતા બનાવ્યા છે. બની બેઠેલા તો તમે છો, મેન્ડેટથી ચૂંટાઈ ને ખુરશી પર છો, પરંતુ આવનાર દિવસોમાં તમારી ખુરશીને ઉખેડીને ફેંકી દઈશું. આ પ્રસંગે સભામાં ખેડૂત ની વિવિધ માંગણીઓના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. તેમજ ભૂતકાળમાં ખેડૂતોની સેવા કરનાર આગેવાનો ને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી આશરે ત્રણેક હજાર ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વરસાદને કારણે ખેડૂતોની સભા ને ગાયપગલા મંદિરના હોલમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ દત્ત પરિવાર અને ધોરણ પારડી ગામના લોકોનો ખેડૂત સમાજે આભાર વ્યક્ત કર્યો હતો.

1
0 views